
બીબીસી 100 વિમૅન 2022 : કઈ મહિલાઓએ મેળવ્યું સ્થાન?

બીબીસીએ વર્ષ 2022ની વિશ્વની 100 પ્રેરક અને પ્રભાવશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે.
આ યાદીમાં સમગ્ર વિશ્વમાં પોતાના સંગીતથી ધૂમ મચાવનરાં બિલિ એલિશ, યુક્રેનનાં ફર્સ્ટ લેડી ઓલેના ઝ્રૅલેન્સ્કા, અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને લેમા બ્લૅર, રશિયન પૉપ મ્યુઝિકના સ્ટાર અલા પુગાચેવા, ઈરાન પર્વતારોહક ઇલનાઝ રેકાબી, રેકર્ડ બનાવનારાં ટ્રિપલ જમ્પ ઍથ્લીટ યૂલિમાર રોજાસ અને ઘાનાનાં લેખિકા નાના દારકો સેકિયામાહ સામેલ છે.
બીબીસી 100 વિમૅનની આ દસમી સિઝન છે. આ અવસરે પાછલાં દસ વર્ષ દરમિયાન થયેલ પ્રગતિનું પણ આંકલન અમે કર્યું છે. મહિલાના અધિકારના મામલે- ભલે તે ભારે સંખ્યામાં મહિલાઓની હાજરી હોય કે પછી મી ટૂ મૂવમૅન્ટમાં તેમની ભાગીદારી- ઘણી પ્રગતિ જોવા મળી છે, પરંતુ હજુ પણ વિશ્વના ઘણા ભાગોનાં મહિલાઓ માટે લાંબી સફર બાકી છે.
આ વર્ષની યાદીના કેન્દ્રમાં એ મહિલાઓને રખાયાં છે જેઓ સંઘર્ષનાં ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે - ભલે એ ઈરાનમાં બદલાવની માગ સાથે પ્રદર્શન કરનારાં મહિલાઓ હોય કે પછી યુક્રેન અને રશિયાના સંઘર્ષમાં સામેલ મહિલા ચહેરા હોય.
રાજકારણ અને શિક્ષણ

ફાતિમા અમીરી, અફઘાનિસ્તાન
વિદ્યાર્થિની
અફઘાન તરુણી ફાતિમા અમીરી કાબુલના ટ્યુશન કેન્દ્ર પર કરવામાં આવેલા હુમલામાંથી ઊગરી ગયેલાં લોકો પૈકીનાં એક છે. એ હુમલામાં 50થી વધુ લોકો માર્યા ગયા હતા અને એ પૈકી મોટા ભાગની વિદ્યાર્થિની હતી. એ ઘટનામાં ફાતિમાને ગંભીર ઇજા થઈ હતી. તેમણે આંખ ગુમાવવી પડી હતી અને તેમનાં જડબાં તથા કાનમાં સખત ઇજા થઈ હતી.
સારવાર દરમિયાન ફાતિમાએ યુનિવર્સિટીની પ્રવેશપરીક્ષા માટે અભ્યાસ કર્યો હતો અને ઑક્ટોબરમાં પરીક્ષા આપીને 85 ટકાથી વધુ ગુણ મેળવીને તેઓ પાસ થયા હતાં. તેમનું હાલનું સપનું કાબુલ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવાનું છે. તેઓ કહે છે કે હુમલામાં આંખ ગુમાવવાને કારણે તેઓ વધુ મજબૂત તથા વધુ પ્રતિબદ્ધ બન્યાં છે.

મઇન અલ-ઓબૈદી, યમન
વકીલ
યમનમાંનું ગૃહયુદ્ધ આ વર્ષે વધુ હિંસક બન્યું છે ત્યારે વકીલ મઇન અલ-ઓબેદીએ ચારે તરફથી ઘેરાયેલા તઇઝ શહેરમાં શાંતિ સ્થાપનાનું કાર્ય ચાલુ રાખ્યું છે. તેઓ મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યાં છે અને સંઘર્ષરત જૂથો વચ્ચે કેદીઓના આદાનપ્રદાનનું કામ કરે છે. તેઓ યૌદ્ધાઓને તેમના પરિવારમાં હંમેશાં જીવંત પાછા લાવી શકતા નથી, પરંતુ મૃતકોના શરીર પાછા મળે તે સુનિશ્ચિત જરૂર કરે છે.
તેમણે યમને વિમૅન્સ યુનિયન માટે સ્વૈચ્છિક સેવા આપી હતી અને કેદમાં રખાયેલી મહિલાઓનો બચાવ કર્યો હતો. માનવાધિકાર તથા સ્વાતંત્ર્ય સમિતિના કામકાજ પર નજર રાખતી લોયર્સ સિન્ડિકેટ કાઉન્સિલમાં સ્થાન પામેલાં તેઓ પ્રથમ મહિલા પણ છે.

જોય એન્ગોઝી ઈઝેઇલો, નાઇજીરિયા
કાયદાનાં પ્રાધ્યાપક
યુનિવર્સિટી ઑફ નાઇજીરિયાના કાયદા વિભાગનાં એમિરેટ્સ ડીન અને માનવ તસ્કરીના સંયુક્ત રાષ્ટ્રસંઘનાં ખાસ સંવાદદાતા જોય ઇઝેઇલો આંતરરાષ્ટ્રીય માનવાધિકારના ક્ષેત્રમાં અગ્રણી નિષ્ણાત છે.
તેઓ વિમૅન્સ એઇડ કલેક્ટિવનાં સ્થાપક ડિરેક્ટર છે. આ સંસ્થાએ છેલ્લાં 25 વર્ષમાં નાઇજીરિયાની 60,000 નિઃસહાય મહિલાઓને મફત કાયદાકીય મદદ કરી છે અને આશરો આપ્યો છે. સતામણીનો ભોગ બનેલા લોકોને ઝડપી પ્રતિસાદ આપવા માટે તેમણે તમર સેક્સુઅલ એસોલ્ટ રેફરલ સેન્ટરની સ્થાપના પણ કરી છે.

તેમનું નામાંકન 2021નાં વિજેતા લેખિકા ચિમામંદા, એન્ગોઝી અડિચીએ કર્યું છે.
ગરીબોને અને ખાસ કરીને જે મહિલાઓ તથા છોકરીઓના માનવાધિકારનું ઉલ્લંઘન થયું તેમને મફત કાયદાકીય મદદ મારફતે પ્રોફેસર ઇઝેઈલોએ અનેક જિંદગીને પ્રભાવિત કરી છે.

મારિયા ફર્નાન્ડો કાસ્ટ્રો માયા, મેક્સિકો
વિકલાંગતા કર્મશીલ
બૌદ્ધિક વિકલાંગતા ધરાવતાં મહિલા તરીકે ફર્નાન્ડો કાસ્ટ્રો તેમના જેવાં અન્ય મહિલાઓ રાજકારણમાં ભાગ લઈ શકે તે માટે લડી રહ્યાં છે. તેઓ વિકલાંગોના અધિકારની હિમાયત કરતા અને હ્યુમન રાઇટ્સ વોચ સમર્થિત એક જૂથના સભ્ય છે. આ સંગઠન બૌદ્ધિક તથા શૈક્ષણિક વિકલાંગતા ધરાવતા લોકોને નીતિઓમાં સ્થાન આપવા મેક્સિકોના તમામ રાજકીય પક્ષોને આગ્રહ કરે છે.
તેમના કામમાં રાજકીય નિર્ણય સંબંધી દસ્તાવેજોમાં ભાષાકીય સુલભતા અને રાજકીય પક્ષો તથા ચૂંટણીની પ્રક્રિયામાં સામેલગીરીનો સમાવેશ થાય છે. વિકલાંગોના અધિકાર વિશેનો અહેવાલ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં રજૂ કરી ચૂકેલા મેક્સિકોના પ્રતિનિધિમંડળમાં તેઓ સમાવિષ્ટ હતાં. તેઓ ઇન્ક્લુઝન ઇન્ટરનેશનલ નામના વૈશ્વિક નેટવર્કનાં પ્રતિનિધિ પણ છે.

ચેનલ કોન્ટોસ, ઑસ્ટ્રેલિયા
સેક્સુઅલ કન્સેન્ટ કાર્યકર્તા
સર્વગ્રાહી સંમતિ અને લૈંગિકતા શિક્ષણ માટે કાર્યરત 'ટીચ અસ કન્સેન્ટ' નામની ચળવળનાં સ્થાપક ચેનલ કોન્ટોસે 2021માં ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને તેમના ફોલોઅર્સને પૂછ્યું હતું કે તમારા અથવા તમે જેને જાણતા હો એવી કોઈ વ્યક્તિ પર સ્કૂલમાં જાતીય હુમલો થયો હતો? આ પોસ્ટના 24 કલાકમાં 200થી વધુ લોકોએ જણાવ્યું હતું કે આવો હુમલો થયો હતો.
ઑસ્ટ્રેલિયામાં વહેલું કન્સેન્ટ શિક્ષણ આપવાની હિમાયત કરતી ઝુંબેશ તેમણે શરૂ કરી હતી. તેને કારણે ઑસ્ટ્રેલિયાની તમામ સ્કૂલોમાં 2023થી કિન્ડરગાર્ટનથી દસમા ધોરણ સુધી કન્સેન્ટ શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવશે. હવે તેઓ સાથીની સંમતિ વિના કૉન્ડમ કાઢી નાખવા, કૉન્ડમ વિના ગુપ્ત રીતે સંભોગ કરવા બાબતે લોકોને શિક્ષિત કરી રહ્યાં છે તેમજ આવા કૃત્યને ગુનો ગણવા માટે ઝુંબેશ ચલાવી રહ્યાં છે.

ઇવા કોપા, બોલિવિયા
રાજકારણી
અયમારા વંશનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા ઈવા કોપા હવે બોલિવિયાના રાજકારણને હચમચાવી રહ્યાં છે. દેશના બીજા સૌથી મોટા શહેર અલ અલ્ટોના મેયરપદ માટે પક્ષ તરફથી ઉમેદવાર બનવામાં નિષ્ફળ રહ્યા બાદ ઇવા કોપાએ પક્ષના સત્તાવાર ઉમેદવારની સામે ઉમેદવારી નોંધાવી હતી અને 69 ટકા મત સાથે વિજેતા બન્યાં હતાં. તેમણે મહિલાઓ માટેના શહેરની યોજનાની જાહેરાત તાજેતરમાં કરી હતી. તેનો હેતુ નીતિ તથા રોકાણ વડે મહિલાઓના અધિકારોને મજબૂત બનાવવાનો છે.
કોપા રાજકારણમાં નવાં નથી. તેઓ 2015 અને 2020માં સેનેટર તરીકે કામ કરી ચૂક્યાં છે. શાસક પક્ષમાંથી અલગ થવાના તેમના નિર્ણયને ઘણા લોકો બોલિવિયામાં વૈવિધ્ય્યસભર રાજકારણ તરફનું પરિવર્તન ગણી રહ્યા છે.
ઘૂંટણ પર ઝૂકીને નહીં, પરંતુ પોતાના પગ પર ઉભી રહી શકે તેવી વધુ મહિલા નેતાઓની આપણને જરૂર છે.
ઇવા કોપા

સેપિદેહ ક્લોવિયાન, ઇરાન
રાજકીય ઝુંબેશકર્તા
ખુઝેસતાન પ્રાંતમાં કામદારોના અધિકારને ટેકો આપવા બદલ કાયદાના વિદ્યાર્થિની સેપિદેહ ક્લોવિયાનને પાંચ વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી. તેમણે છેલ્લાં ચાર વર્ષ ઈરાનના અલગ-અલગ કારાગારમાં પસાર કર્યાં હતાં. તેમાં રાજકીય કેદીઓ માટેના મુખ્ય સ્થળ એવિનનો સમાવેશ થાય છે. તેમને ઑક્ટોબર 2021માં કેવિન મોકલવામાં આવ્યાં હતાં.
પોતાની સાથે કરવામાં આવતા 'અમાનવીય' વ્યવહાર વિશેની ઓડિયો ટેપ બહાર મોકલીને જેલમાંથી પણ તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. તેઓ સાથી મહિલા કેદીઓનો અવાજ પણ બન્યાં હતાં. જામીન પર મુક્ત થયા બાદ તેમણે 'ટોર્ચર' અને 'ઇન્જસ્ટીસ' નામના પુસ્તક લખ્યાં હતાં. એ પુસ્તકોમાં ઈરાની જેલમાં મહિલાઓને થતા અનુભવોનું બયાન છે.

પાર્ક જી-હ્યુન, દક્ષિણ કોરિયા
રાજકીય સુધારક
યુનિવર્સિટીનાં વિદ્યાર્થી તરીકે પાર્ક જી-હ્યુને દક્ષિણ કોરિયાના સૌથી મોટી ઑનલાઇન સેક્સ-ક્રાઇમ ટોળકી પૈકીની એક એન્થ રૂમ્સને ઉઘાડી પાડવામાં ગુપ્ત રીતે મદદ કરી હતી. આ વર્ષે તેમણે પોતાના અનુભવો જાહેર કર્યા હતા અને યુવા મહિલા મતદારો સુધી પહોંચવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
ડેમૉક્રેટિક પાર્ટી રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી હારી ગઈ ત્યારે તેણે પાર્ક જી-હ્યુનનું નામ વચગાળાના સહ-નેતા તરીકે સૂચવ્યું હતું. તેઓ ડિજિટલ સેક્સ ગુના સાથે કામ પાર પાડતી વિમૅન્સ કમિટીનાં સભ્ય પણ છે. જૂનમાં પક્ષે વધુ હારનો સામનો કરવો પડ્યો હતો અને પાર્ક જી-હ્યુને રાજીનામું આપી દીધું હતું. હાલ તેઓ કોઈ સત્તાવાર ભૂમિકા ભજવતા નથી. તેમ છતાં રાજકારણમાં જાતીય સમાનતાને વેગ આપવા તેઓ પ્રતિબદ્ધ છે.
ડિજિટલ સેક્સ ક્રાઇમ વૈશ્વિક સ્તરે મહિલાઓના અધિકાર પર જોખમ સર્જે છે અને આપણે સાથે મળીને આ સમસ્યાનું નિરાકરણ કરવું જરૂરી છે.
પાર્ક જી-હ્યુન

ઝહરા જોયા, અફઘાનિસ્તાન
પત્રકાર
તાલિબાનનાં છ વર્ષના શાસનકાળ દરમિયાન ઝહરા જોયા 'મોહમ્મદ' બન્યાં હતાં અને છોકરાનો વેશ પહેરીને સ્કૂલમાં ભણવા જતાં હતાં. અમેરિકાના વડપણ હેઠળના લશ્કરી દળોએ તાલિબાનને 2001માં સત્તા પરથી ગબડાવ્યા બાદ તેઓ ઝહરા તરીકે ફરી સ્કૂલે જતા થયાં હતાં. તેમણે 2011થી પત્રકાર તરીકે કામ શરૂ કર્યું હતું અને તેઓ ન્યૂઝરૂમમાં મોટા ભાગે એકલા મહિલા રિપોર્ટર જ હતાં.
તેઓ અફઘાનિસ્તાનની એકમાત્ર નારીવાદી ન્યૂઝ એજન્સી રુખશાના મીડિયાનાં સ્થાપક છે. તાલિબાન દ્વારા પથ્થર મારીને જે 19 વર્ષની યુવતીનું મોત નિપજાવવામાં આવ્યું હતું તેનું નામ ઝહરાએ પોતાની એજન્સીને આપ્યું છે. 2021માં ઝહરાને અફઘાનિસ્તાનમાંથી ઉગારી લેવામાં આવ્યાં હતાં અને હવે તેઓ બ્રિટનમાં રહીને રુખશાના મીડિયા ચલાવે છે. 2022માં તેમને ગેટ્સ ફાઉન્ડેશનનો ચેન્જમેકર ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
મને શબ્દોની નરમ તાકાતમાં વિશ્વાસ છે અને આપણે મહિલાઓ વિરુદ્ધના અન્યાય વિશે જરૂર વાત કરવી જોઈએ.
ઝહરા જોયા

નાઝનિન ઝગારી-રેડક્લિફ, બ્રિટન, ઇરાન
ચૅરિટી વર્કર
"દુનિયાએ સાથે મળીને સુનિશ્ચિત કરવું પડશે કે કોઈ નિર્દોષને અટકાયતમાં કે જેલમાં રાખી શકાશે નહી" આ શબ્દો બ્રિટિશ-ઇરાની નાઝનિન ઝગારી-રેડક્લિફે તેમને ઇરાનના સત્તાવાળાઓએ માર્ચમાં મુક્ત કર્યા પછી ઉચ્ચાર્યા હતા. તેમના પતિ રિચર્ડે પત્નીની સલામત મુક્તિ અને ઈરાન સાથેનો દેવાનો ઐતિહાસિક વિવાદ ઉકેલવા બ્રિટિશ સરકાર દબાણ લાવવા લાંબો સમય ઝુંબેશ ચલાવી પછી નાઝનિનને મુક્ત કરવામાં આવ્યાં હતાં.
નાઝનિન તેમની પુત્રી સાથે 2016માં રજાઓ માણવા ઈરાન ગયાં હતાં ત્યારે તેમને મનસ્વી રીતે અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં અને પછી ઈરાનના સત્તાવાળાઓએ તેમનો ઉપયોગ બ્રિટિશ સરકાર પર દબાણ લાવવા રાજદ્વારી પ્યાદા તરીકે કર્યો હતો. તેમને છ વર્ષ સુધી અટકાયતમાં રાખવામાં આવ્યાં હતાં. પ્રારંભે તેમને ઈરાનની સરકાર ઊથલાવવાના પ્રયાસ બદલ રિવોલ્યૂશનરી કોર્ટે દોષિત ઠરાવ્યાં હતાં. 2021માં સજા પૂરી થઈ પછી તેમને બીજી સજા કરવામાં આવી હતી અને રાજદ્વારી સમાધાન ન થયું ત્યાં સુધી ઈરાનમાં અટકાવી રાખવામાં આવ્યાં હતાં. નાઝનિન ઝગારી-રેડક્લિફે તેમના પરના તમામ આરોપને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા અને હવે તેઓ તેમના પતિ સાથે મળીને સ્મૃતિકથા લખી રહ્યાં છે.

ઓલેના ઝૅલેન્સ્કા, યુક્રેન
ફર્સ્ટ લેડી
પડદા પાછળ રહીને કામ કરતાં સફળ ટીવી સ્ક્રિપ્ટરાઇટર ઓલેના ઝૅલેન્સ્કાને, તેમના પતિ વોલોદીમિર ઝૅલેન્સ્કી 2019માં યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ બન્યા ત્યારે વૈશ્વિક મંચ પર પરાણે ધકેલી દેવાયાં હતાં. યુક્રેનનાં ફર્સ્ટ લેડીએ મહિલાઓના અધિકારમાં સુધારા તથા યુક્રેનની સંસ્કૃતિના પ્રચારનું કામ કર્યું છે.
રશિયાના આંક્રમણ પછી યુક્રેનના લોકોની પીડાને વાચા આપવા માટે તેઓ પોતાના મંચનો ઉપયોગ કરતાં રહ્યાં છે. તેઓ વિદેશી રાષ્ટ્રપ્રમુખના એવાં પહેલાં જીવનસાથી છે જેમણે અમેરિકન સંસદને સંબોધન કર્યું હોય. હવે તેમણે યુદ્ધને કારણે ત્રસ્ત બાળકો તથા પરિવારોની માનસિક સ્વસ્થતાની જાળવણીના કામ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
શાંતિના સમય કરતાં પણ વધુ જવાબદારી મહિલાઓએ હવે લીધી છે. જે મહિલાએ યુદ્ધનો અનુભવ કર્યો હશે તે ક્યારેય પાછી નહીં હટે અને મને ખાતરી છે કે આપણો આંતરિક વિશ્વાસ વધશે.
ઓલેના ઝૅલેન્સ્કા

કિસાનેત ટેડ્રોસ, ઇરિટ્રિયા
શૈક્ષણિક ઉદ્યોગસાહસિક
કન્ટેન્ટ ક્રિએટર અને ઉદ્યાગસાહસિક કિસાનેત ટેડ્રોસ દ્વારા શરૂ કરવામાં આવેલી બેલેસ બાબુ નામની યૂટ્યૂબ ચેનલ ઇરિટ્રિયાનાં બાળકોને તેમની ભાષા તથા સંસ્કૃતિ વિશે શિક્ષિત કરે છે. ઇથિયોપિયામાં જન્મેલાં તથા ઉછરેલાં કિસાનેત ટેડ્રોસ, પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવા માટે ભાષાનું કેટલું મહત્ત્વ છે તે બાળપણથી સમજી ગયાં હતાં.
તેમની પ્રોડક્શન ટીમ ડિજિટલ કન્ટેન્ટ બનાવવા માટે ઇરિટ્રિયા, યુગાન્ડા અને ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કોન્ગોના સ્વયંશિક્ષિત લોકો તથા ડિજિટલ કળાકારોને એક મંચ પર લાવે છે. તિંગ્રિન્યા ભાષા બોલતા ઇરિટ્રિયા તથા ઇથિયોપિયાનાં માતા-પિતાઓ તથા તેમનાં સંતાનો આ વીડિયો માટે આ વીડિયોઝ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કમ્પાલા, યુગાન્ડામાં નિરાશ્રિતો માટે સૌપ્રથમ બેલેસ બાબુ કિડ્ઝ ફેસ્ટિવલનું આયોજન પણ ટેડ્રોસે કર્યું હતું.

સિમોન તેબેટ, બ્રાઝિલ
બ્રાઝિલની સંઘીય સેનેટનાં સભ્ય
ઘણા લોકો જેમને દેશના ગહન ધ્રુવીકરણ માટે જવાબદાર ગણે છે બ્રાઝિલનાં તે મધ્યમમાર્ગી સેનેટર સિમોન તેબેટ આ વર્ષે રાષ્ટ્રપતિપદ માટેની સ્પર્ધામાં ત્રીજા ક્રમે રહ્યાં હતાં. તેઓ 2002માં રાજ્યના પ્રતિનિધિ તરીકે ચૂંટાયાં હતાં અને 2004 તથા 2008માં તેમના વતન ટ્રેસ લાગોસના મેયર તરીકે ચૂંટાયાં હતાં. 2014માં તેઓ 52 ટકા માન્ય મત વડે સેનેટમાં ચૂંટાયાં હતાં.
તેઓ સેનેટની મહત્ત્વની બંધારણ તથા ન્યાય સમિતિનાં અધ્યક્ષ બનેલાં સૌપ્રથમ મહિલા છે. એક દાયકાથી વધુ સમય સુધી કાયદાના પ્રોફેસર તરીકે કામ કરી ચૂકેલાં તેબેટે મહિલાઓ વિરુદ્ધની હિંસાને ખાળવા માટેની સંયુક્ત સમિતિનું અધ્યક્ષપદ પણ સંભાળ્યું છે.
દરેક વ્યક્તિ જાણે છે કે મહિલા જ ભવિષ્ય છે અને મહિલા ઇચ્છે તે સ્થાન મેળવી શકે છે.
સિમોન તેબેટ

ઇબિજોક ફેબોરોડ, નાઇજિરિયા
ઈલેક્ટહરના સહ-સ્થાપક
ઈલેક્ટહર સંગઠનના માધ્યમથી ઇબિજોક ફેબોરોડ નાઇજિરિયામાં મહિલાઓના રાજકીય આંદોલનને વેગ આપી રહ્યાં છે. તેમનું સંગઠન રાજકીય પ્રતિનિધિત્વમાં અસમાનતાની ખાઇને પૂરવાનું કામ કરી રહ્યું છે અને આ સંગઠનને કારણે સમગ્ર આફ્રિકામાં 2,000થી વધુ મહિલાઓ જોડાઈ છે. 2023ની સામાન્ય ચૂંટણીમાં સ્થાનિક કે સંઘીય સ્તરે ઉમેદવાર બનેલી 35 મહિલાઓને તેમનું એજેન્ડર35 સંગઠન માનવ તથા નાણાકીય સહાય દ્વારા સીધો ટેકો આપી રહ્યું છે.
ચૂંટણી સંબંધી ડેટાના વિશ્લેષણની સૌપ્રથમ નારીવાદી આફ્રિકન મોબાઈલ એપ્લિકેશનના નિર્માણમાં પણ તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ફેબોરોડ હાલ ધ લીડરશીપ કાઉન્સિલ ઓફ ધ ડેમોક્રેસી એન્ડ કલ્ચર ફાઉન્ડેશનમાં સેવા આપી રહ્યાં છે. આ કાઉન્સિલ લોકશાહી પ્રક્રિયાને સુધારવાનું કામ કરે છે.

તૈસિયા બેકબુલાતોવા, રશિયા
પત્રકાર
રશિયાનાં જાણીતાં પત્રકાર તૈસિયા બેકબુલાતોવાએ હોલોદ નામના સ્વતંત્ર મીડિયા સંગઠનની સ્થાપના 2019માં કરી હતી. આ સંગઠન યુક્રેનમાંના યુદ્ધ વિશે વ્યાપક પ્રમાણમાં રિપોર્ટિંગ કરવા ઉપરાંત અસમાનતા, હિંસા અને મહિલાઓના અધિકારો વિશેની સ્ટોરીઝ પ્રકાશિત કરતું રહ્યું છે. એપ્રિલમાં સ્વતંત્ર મીડિયા પર આકરાં પગલાં લેવામાં આવ્યાં ત્યારે રશિયન સત્તાવાળાઓએ આ સંગઠનની વેબસાઇટ બ્લૉક કરી દીધી હતી.
તેમ છતાં બેકબુલાતોવા અને તેમની ટીમે પોતાનું કામ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા કરી હતી અને તેમની રીડર્સશિપમાં વધારો જોવા મળ્યો હતો. બેકબુલાતોવાએ તેમને 'વિદેશી જાસૂસ' ગણાવાયાં પછી 2021માં રશિયા છોડી દીધું હતું. યુદ્ધ વિશેના અહેવાલો આપવા માટે તેમણે યુક્રેનનો પ્રવાસ કર્યો છે.
હું અનિવાર્ય પ્રગતિમાં માનતી નથી. આધુનિક સસ્કૃતિ હંમેશાં નાજુક તથા આસાનીથી નષ્ટ કરી શકાય એવી રહી છે અને મહિલાઓના અધિકારો સામાન્ય રીતે પહેલા ભૂંસાઈ જતા હોય છે.
તૈસિયા બેકબુલાતોવા

નતાલી બેક્વાર્ટ, વેટિકન
ખ્રિસ્તી સાધ્વી
પોપ ફ્રાન્સિસ દ્વારા પાદરીઓની ધર્મસભાના અંડરસેક્રેટરી તરીકે તેમની નિમણૂકને પગલે તેઓ આ પદ સંભાળનાર પ્રથમ મહિલા બન્યાં છે. તેઓ કેથલિક ચર્ચ માટે મહત્ત્વની બાબતોમાં પોપને સલાહ આપતી વ્યક્તિઓ પૈકીના એક હોવા ઉપરાંત મતદાનનો અધિકાર ધરાવતાં એકમાત્ર મહિલા છે. આ સંગઠનના મહામંત્રીએ 2021માં કહ્યું હતું કે નતાલીની નિમણૂક દર્શાવે છે કે મહિલાઓ માટે "દરવાજા ખૂલી ગયા છે".
ઝેવિયર્સ મંડળનાં આ ફ્રેન્ચ સાધ્વીએ ફ્રાન્સમાં યુવા લોકોના ધર્મભાવના અને વ્યવસાય માટેની રાષ્ટ્રીય સેવાનાં સૌપ્રથમ મહિલા ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.
પોપ ફ્રાન્સિસ કહે છે તેમ "મહિલાઓ સાથેના તમામ ભેદભાવ તથા હિંસા વિરુદ્ધની લડાઈ ન્યાયનું કર્તવ્ય છે..તમામ સ્તરે વધુ મહિલાઓને નેતાગીરીમાં સાંકળવા માટે આપણે બધાએ સાથે મળીને ટેકો આપવો જોઈએ."
નતાલી બેક્વાર્ટ

ક્રિસ્ટિના બેર્ડીન્સ્ક્યાખ, યુક્રેન
પત્રકાર
પુરસ્કાર વિજેતા પત્રકાર ક્રિસ્ટિના બેર્ડીન્સક્યાખ યુક્રેનના યુદ્ધ દરમિયાન પોતાના આખા દેશમાં ફર્યાં છે અને રશિયન બૉમ્બમારા હેઠળના પ્રદેશોમાંથી તેમણે રિપોર્ટિંગ કર્યું છે. તેમણે કેટલુંક કામ મુખ્યત્વે સંઘર્ષગ્રસ્ત શહેરમાંના દૈનિક જીવનની વિગત સંબંધે કર્યું છે.
ખેરસનમાં જન્મેલાં ક્રિસ્ટિનાએ ક્યિવમાં 14 વર્ષ સુધી પૉલિટિકલ પત્રકાર તરીકે કામ કર્યું છે. તેમાં એનવી સામયિક અને વિવિધ ટીવી તથા રેડિયો પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેમણે યુક્રેનની યુરોમોડિયન ક્રાંતિના સહભાગીઓ વિશેનો એક સોશિયલ મીડિયા પ્રોજેક્ટ ઈ-પીપલ બનાવ્યો હતો, જે પાછળથી પુસ્તકમાં રૂપાંતરિત થયો હતો.

આયેશા મલિક, પાકિસ્તાન
ન્યાયમૂર્તિ
પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટનાં સૌપ્રથમ મહિલા ન્યાયાધિશ તરીકે આ વર્ષે નિમણૂક પામેલાં જસ્ટિસ આયેશા એ મલિકે મહિલાઓના અધિકારનું રક્ષણ કરતા ચુકાદા આપ્યા છે. તેમાં બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓના કથિત ટુ-ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ મૂકતા તેમના સીમાચિહ્નરૂપ ચુકાદાનો પણ સમાવેશ થાય છે. 2021માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પહેલાં સુધી જાતીય હુમલાના કેસોમાં આવી વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવતી હતી.
સુપ્રિમ કોર્ટમાં પોતાની ફરજ બજાવવા ઉપરાંત આયેશા મલિક દુનિયાભરના ન્યાયમૂર્તિઓને તાલીમ આપે છે. તેમણે પાકિસ્તાનમાં મહિલા ન્યાયમૂર્તિઓની કોન્ફરન્સનું ઉદઘાટન પણ કર્યું હતું અને ન્યાય વ્યવસ્થામાં જાતીય દૃષ્ટિકોણ સહિતના ચર્ચાને પ્રોત્સાહિત કરી હતી.
મહિલાઓએ તેમનો દૃષ્ટિકોણ સામેલ હોય, તેમના અનુભવ વહેંચી શકાય અન તેમના કથાઓનો સમાવેશ કરી શકાય તેવું નવું વૃત્તાંત બનાવવું જોઈએ.
આયેશા મલિક

મિયા મોટલી, બારબાડોસ
વડાં પ્રધાન
બારબાડોસનાં પ્રથમ વડાં પ્રધાન મોટલી જાન્યુઆરી, 2022માં ભારે જીત બાદ બીજી વખત વડાં પ્રધાન બન્યાં છે. તેઓ વર્ષ 2008થી બારબાડોસ લૅબર પાર્ટીનું નેતત્વ કરી રહ્યાં છે. તેમના નેતૃત્વમાં કૅરિબિયન દ્વીપ બ્રિટિશ શાહી પરિવાર સાથે સંબંધો તોડવામાં, સમ્રાટને દેશના પ્રમુખ તરીકે હઠાવવામાં અને વિશ્વના સૌથી નવા ગણતંત્ર બનવામાં કામયાબ રહ્યો.
મોટલી જળવાયુ પરિવર્તન વિશે બોલતાં રહ્યાં છે, COP27માં તેમણે જળવાયું સંકટનો સામનો કરવામાં નિષ્ફળ રહેલ સમૃદ્ધ દેશોની ટીકા કરી અને ચેતવણી આપી કે જો કારગત પગલાં ન ઉઠાવાયાં તો વર્ષ 2050 સુધી એક અબજ જળવાયુ શરણાર્થી હોઈ શકે છે.

ઝારા મોહમદી, ઇરાન
શિક્ષક
નોજિન સોશિયો-કલ્ચરલ ઍસોસિએશનનાં સ્થાપકો પૈકીનાં એક ઝારા મોહમદીએ ઈરાનના ત્રીજા ક્રમના સૌથી મોટા શહેર સનાનદજમાં કુર્દીશ ભાષાનું શિક્ષણ એક દાયકાથી વધુ સમય સુધી આપ્યું છે.
ઇરાનનું બંધારણ જણાવે છે કે શૈક્ષણિક વ્યવસ્થામાં પ્રાદેશિક અને વાંશિક ભાષાના મુક્ત ઉપયોગની છૂટ છે, પરંતુ વકીલો અને કર્મશીલો કહે છે કે વાસ્તવમાં આ સાચું નથી. તેથી બાળકો સ્કૂલોમાં તેમની માતૃભાષા શીખી શકતાં નથી. ઈરાન સરકારે મોહમદી પર "જૂથો તથા સમુદાયો રચવાનો અને રાષ્ટ્રીય સલામતીમાં ખલેલ સર્જવાનો" આરોપ મૂક્યો હતો અને તેમને પાંચ વર્ષના કારાવાસની સજા કરી હતી. તેઓ જાન્યુઆરી 2022થી જેલમાં છે.

ચેંગ યેન, તાઇવાન
બૌદ્ધ સાધ્વી
આધુનિક તાઇવાની બુદ્ધિઝમના વિકાસ સંબંધે ધર્મ માસ્ટર ચેંગ યેનને સૌથી વધુ વગદાર વ્યક્તિ માનવામાં આવે છે. માનવતાવાદી ત્ઝુ ચી ફાઉન્ડેશનનાં સ્થાપક ચેંગનો ઉલ્લેખ ઘણાવીર 'એશિયાના મધર ટેરેસા' તરીકે પણ કરવામાં આવે છે.
જરૂરતમંદ પરિવારોને મદદ કરવા પૈસા બચાવતી માત્ર 30 મહિલાઓ સાથે ચેંગ યેને તેમના સંગઠનની શરૂઆત 1966માં કરી હતી. હવે વૈશ્વિક સ્તરે તેમાં લાખો લોકો જોડાયા છે. આ સંગઠન આંતરરાષ્ટ્રીય રાહત અને તબીબી સહાય પૂરી પાડવા ઉપરાંત શાળાઓ અને હૉસ્પિટલોનું સંચાલન પણ કરી રહ્યું છે. હાલ આયુષ્યના 80ના દાયકામાંથી પસાર થઈ રહેલાં ચેન યેનના અનુયાયીઓ દાન માટેની તેમની ઝુંબેશ આગળ વધારી રહ્યાં છે અને તાજેતરમાં તેમણે યુદ્ધગ્રસ્ત યુક્રેનના નિરાશ્રિતોને નાણાકીય તથા સામગ્રીની સહાય કરી હતી.

નાઓમી લોંગ, નોર્ધન આયર્લૅન્ડ
રાજકારણી
ભૂતપૂર્વ ન્યાય પ્રધાન નાઓમી લોંગ નોર્ધન આયર્લૅન્ડમાંના ડાઉન-બ્લાઉઝિંગ અને સાઇબર-ફ્લેશિંગ સહિતના સંખ્યાબંધ નવા જાતીય ગુનાઓ સામે કામ પાર પાડવાનો કાયદો આ વર્ષે જ લાવ્યાં છે. હત્યાની ધમકી મળી હોવા છતાં નાઓમી લોંગ મહિલા રાજકારણીઓની સતામણી સામે જાગૃતિ ફેલાવતાં રહ્યાં છે.
વ્યવસાયે સિવિલ ઇજનેર નાઓમી લોંગ ઍલાયન્સ પાર્ટીમાં 1995માં જોડાયાં હતાં. બેલફાસ્ટના લોર્ડ મેયર તરીકે સેવા આપ્યા બાદ 2010માં તેઓ વેસ્ટમિસ્ટરમાંથી ચૂંટાયેલા ઍલાયન્સ પાર્ટીનાં સૌપ્રથમ સંસદસભ્ય બન્યાં હતાં. તેમણે ભૂતપૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર પીટર રોબિન્સનને વેસ્ટમિન્સ્ટર બેઠક પરથી હરાવ્યા હતા. પીટર રોબિન્સન 30થી વધારે વર્ષથી એ બેઠક પરથી ચૂંટાતા રહ્યા હતા.
સતામણી સામાન્ય બાબત બની રહે તેવું વાતાવરણ સર્જતા દૃષ્ટિકોણનો સામનો આપણે કરવો જોઈએ. તેનો અર્થ એ કે આપણે બધાએ પુરુષોના વિશેષાધિકાર, લિંગવાદ અને સ્ત્રીદ્વેષની સંસ્કૃતિનો સીધો તેમજ સતત વિરોધ કરવો જોઈએ.
નાઓમી લોંગ

ઉર્સુલા વોન ડેર વેયેન, જર્મની
યુરોપિયન કમિશનનાં પ્રમુખ
યુરોપિયન કમિશનનાં પ્રથમ મહિલા પ્રમુખ ઉર્સુલા વોન ડેર વેયેન જર્મન રાજકારણી છે. તેઓ એન્જેલા મર્કલના પ્રધાનમંડળમાં અને જર્મનીનાં સૌપ્રથમ સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યાં છે.
બ્રસેલ્સમાં જન્મેલાં ઉર્સુલાએ રાજકારણમાં જોડાતા પહેલાં અર્થશાસ્ત્ર અને મેડિસિનનો અભ્યાસ કર્યો હતો. તેમણે યુરોપિયન સંઘનું સર્વોચ્ચ પદ 2019માં સંભાળ્યું હતું અને ત્યારથી બ્રેક્સિટ, કોવિડ-19 મહામારી અને યુક્રેનમાંના યુદ્ધમાં બ્લૉકનું નેતૃત્વ કરતાં રહ્યાં છે. કંપનીના બોર્ડ્ઝમાં જાતીય સંતુલન માટે જરૂરી કાયદાની રચનામાં તેઓ મુખ્ય પરિબળ છે. તે કાયદો આ વર્ષે પસાર કરવામાં આવ્યો હતો.

તેમનું નામાંકન 2020નાં વિજેતા ફિનલેન્ડનાં વડાં પ્રધાન સાન્ના મરિને કર્યું છે.
યુરોપ એક પછી એક કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે ઉર્સુલાએ વોન ડેર લેયેને યુરોપિયન સંઘને બધા પડકારોમાંથી પાર ઉતારવા માટે અદભુત નિર્ધાર પ્રદર્શિત કર્યો છે. તેમનું નેતૃત્વ સાતત્યસભર રહ્યું છે. સમય કઠીન હશે, પરંતુ તેઓ તેના કરતાં વધારે મજબૂત છે.

રોઝા સલિહ, સ્કોટલૅન્ડ
રાજકારણી
રોઝા સલિહ મે-2022માં ગ્લાસગો સિટી કાઉન્સિલમાં ચૂંટાયેલાં સૌપ્રથમ નિરાશ્રિત બન્યાં હતાં. ઇરાકથી ભાગી છૂટેલા પરિવાર સાથે તેઓ બહુ નાની વયે સ્કોટલેન્ડ આવ્યાં હતાં. હવે તેઓ ગ્રેટર પોલોક વોર્ડના એસએનપીનાં કાઉન્સીલર છે. સાલેહ તરુણી હતાં ત્યારથી નિરાશ્રિતો વિશે ઝુંબેશ ચલાવતા રહ્યાં છે અને પોતાના એક મિત્રની અટકાયતનો સહિયારો વિરોધ તેમણે અને તેમના સ્કૂલના દોસ્તોએ કર્યો હતો.
ધ ગ્લાસગો ગર્લ્સ નામની તેમની ઝુંબેશને કારણે આશ્રય ઇચ્છતા લોકો સાથેના વ્યવહાર પ્રત્યે સમગ્ર દેશનું ધ્યાન આંકર્ષાયું હતું. એ પછી તેઓ સ્કોટિશ સોલિડેરિટી વિથ કુર્દિસ્તાનનાં સહ-સ્થાપક બન્યાં હતાં. તેમણે માનવાધિકાર કર્મશીલ તરીકે તુર્કીમાંના કુર્દિશ પ્રદેશની મુલાકાત લીધી હતી.

એરિકા હિલ્ટન, બ્રાઝિલ
રાજકારણી
બ્રાઝિલની રાષ્ટ્રીય સંસદમાં ચૂંટાયેલા સૌપ્રથમ અશ્વેત ટ્રાન્સ મહિલા એરિકા હિલ્ટન વંશવાદ અને એલજીબીટીક્યુ પ્લસ તથા માનવાધિકાર માટે ઝુંબેશ ચલાવતાં કર્મશીલ છે.
તરુણ વયે તેમના રૂઢિચુસ્ત પરિવારમાંથી હાંકી કાઢવામાં આવ્યાં હતાં અને યુનિવર્સિટીમાં દાખલ થતાં પહેલાં તેઓ શેરીઓમાં રહ્યાં હતાં. વિદ્યાર્થી રાજકારણની પશ્ચાદ્ભૂ ધરાવતા હિલ્ટન સાઓ પાઉલો આવ્યાં હતાં અને ડાબેરી પીએસઓએલ પક્ષમાં જોડાયા હતાં. 2020માં તેમને સિટી કાઉન્સિલ માટે ચૂંટી કાઢવામાં આવ્યાં હતાં અને બ્રાઝિલનાં સૌથી મોટાં શહેરમાંના ભૂખમરા માટે સુધરાઈ દ્વારા ભંડોળ ઉપલબ્ધ કરાવતા કાયદાના સર્જક બન્યાં હતાં.
તમે અશ્વેત હો કે લેટિન, શ્વેત હો કે ગરીબ કે તવંગર કે ટ્રાન્સજેન્ડર, અમારી લડાઈ સમાન અધિકાર, સમાન વેતન અને જાતિ આધારિત હિંસાના અંત માટેની છે.
એરિકા હિલ્ટન
સંસ્કૃતિ અને રમતગમત

દિમા અક્તા, સીરિયા
રનર
દિમા અક્તાના સીરિયામાંના ઘર પર 2012માં બૉમ્બમારો કરવામાં આવ્યો હતો. તેમણે તેમના પગ ઉપરાંત પોતાને મનગમતું દોડવાનું કામ કરવાનું પણ ગૂમાવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડા મુજબ, અંદાજે 28 ટકા સીરિયનો વિકલાંગતા ધરાવે છે અને આ પ્રમાણ વૈશ્વિક સરેરાશ કરતાં બમણું છે. બૉમ્બમારાના દસ વર્ષ પછી દિમા અક્તાના હવે યુનાઇટેડ કિંગ્ડમમાં છે અને 2024ની પેરાલિમ્પિક્સમાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યાં છે.
મહામારી દરમિયાન નિરાશ્રિતો માટે નાણાં એકત્ર કર્યા બાદ દિમા અક્તાના ઇંગ્લૅન્ડની વૈકલ્પિક ફૂટબૉલ ટીમ ધ લાયનહાર્ટ્સના સભ્ય તરીકે સ્વીકૃતિ આપવામાં આવી હતી. તેમની જીવનકથા પોપ સ્ટાર એન મારિયાના મ્યુઝિક વીડિયો બ્યુટીફૂલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમણે વિકલાંગ લોકોની ક્ષમતા બાબતે જાગૃતિના પ્રસારનું કામ ચાલુ રાખ્યું છે.

ઝર અમીર-ઇબ્રાહિમી, ઇરાન
અભિનેત્રી
પુરસ્કાર વિજેતા અભિનેત્રી અને ફિલ્મસર્જક ઝર અમીર-ઇબ્રાહિમી હોલીને સ્પાઇડર નામની, સેક્સ વર્કર્સને નિશાન બનાવતાં સીરિયલ કિલરની સત્યકથા પર આધારિત ફિલ્મમાંની ભૂમિકા બદલ કાન ફિલ્મોત્સવમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ઍવૉર્ડ જીતનારાં તેઓ સૌપ્રથમ ઈરાની અભિનેત્રી છે.
રિવેન્જ પોર્ન અને પોતાના પ્રેમજીવન વિશેની બદનામી ઝુંબેશનો શિકાર બન્યા બાદ સતામણી અને કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે અમીર-ઇબ્રાહિમીએ ઈરાન છોડવું પડ્યું હતું. 2008માં તેઓ પેરિસ આવ્યાં હતાં અને એલેમ્બિક પ્રોડક્શન નામની પોતાની નિર્માણ કંપની શરૂ કરી હતી. એ પછી તેઓ કૅમેરાની સામે તથા પાછળ પ્રભાવશાળી કારકિર્દી બનાવતાં રહ્યાં છે.

બિલી એલિશ, અમેરિકા
ગાયિકા-ગીતકાર
ગ્રેમી ઍવૉર્ડ જીતનાર બિલીની ઓળખ આલબમોના વેચાણમાં રેકર્ડ બનાવનાર સુપરસ્ટાર તરીકેની છે. તેઓ સંગીત મારફતે વ્યવસ્થા પર સવાલ ઉઠાવતાં રહ્યાં છે. ફ્રૉમ હર સિંગલ યોર પાવર, દ્વારા તેમણે ઓછી વયની છોકરીઓનું શારીરિક શોષણ કરનારા પર નિશાન સાધ્યું છે તેમજ ટુ ઑલ ધ ગુડ ગર્લ્સ ગો ટુ હેલ દ્વારા તેમણે જળવાયુ પરિવર્તનની વાત ઉઠાવી છે.
બિલીએ ગર્ભપાતના બંધારણીય અધિકારને સમાપ્ત કરનાર અમેરિકન સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ વિરોધ પ્રકટ કરવા માટે સંગીતનો ઉપયોગ કર્યો. તેના કારણે અત્યાર સુધીનાં સૌથી ઓછી ઉંમરનાં ગ્લૅસ્ટનબરી હેડલાઇનર બનીને તેમણે ઇતિહાસ રચી દીધો. તેઓ સાર્વજનિકપણે પોતાના શરીર, પોતાના તાણ અને ટૌરેટે સિન્ડ્રોમ સાથે જીવન જીવવા પર બોલતાં રહ્યાં છે.
હું જે તબક્કામાં છું, તેને લઈને હું અચરજમાં છું. મહિલાઓ અત્યારે શીર્ષ પર છે. એક સમય એવો હતો જ્યારે હું બેહદ નિરાશ હતી કારણ કે મારા જેવી છોકરીઓને ગંભીરતાથી નથી લેવાઈ રહી.
બિલી એલિશ

ઓના કાર્બોનેલ, સ્પેન
તરવૈયા
સ્પેનના કલાત્મક તરવૈયાઓની ટીમનાં સભ્ય ઓના કાર્બોનલ ચૅમ્પિયન ઍથ્લીટ હોવાની સાથોસાથ માતાની ભૂમિકા પણ સહજપણે ભજવી રહ્યાં છે. ત્રણ વખત ઑલિમ્પિકમાં ભાગ લઈ ચૂકેલાં કાર્નોબલને ઑલિમ્પિક રજત અને કાંસ્ય પદક સહિત 30 કરતાં વધુ પદક મળી ચૂક્યાં છે.
2020માં તેમણે પોતાના પ્રથમ બાળકને જન્મ આપ્યો અને ટોક્યો ઑલિમ્પિકની તૈયારીઓમાં ભાગ લેવામાં જોતરાઈ ગયાં. તેમણે ઑલિમ્પિકના એ નિયમોને લઈને પોતાની નિરાશા વ્યક્ત કરી જેમાં તેઓ પોતાના દીકરાને સ્તનપાન નહોતાં કરાવી શકતાં. આ વર્ષે તેઓ બીજી વખત માતા બન્યાં. તેમણે બીજાં ઍથ્લીટોને બતાવાતી એક ડૉક્યુમૅન્ટરીમાં જણાવ્યું છે કે માતા બનવાની સાથોસાથ પણ રમતમાં સક્રિય રહી શકાય છે.

કાદરી કેયુંગ, હોંગકોંગ
ફૅશન ડિઝાઇનર
વૃદ્ધો તથા વિકલાંગો માટેના અત્યંત સુંદર વસ્ત્રો ડિઝાઇન કરવાનો કાદરી કેયુંગને શોખ છે. તેમને તેમના દાદીને જોઈને વિચાર આવ્યો હતો કે વૃદ્ધો માટેનાં વસ્ત્રોમાં સ્ટાઇલ અને ફંક્શનાલિટીનો અભાવ હોય છે. તેમાંથી પ્રેરણા લઈને તેમણે તેમનાં માતા ઓફેલિયા કેયુગ સાથે મળીને 2018માં આરએચવાયએસ નામની એડેપ્ટિવ ફૅશન બ્રાન્ડ શરૂ કરી હતી.
ક્લોધિંગ ડિઝાઇન ગ્રૅજ્યુએટ કાદરી કેયુંગ તેમના ગ્રાહકોની જરૂરિયાત અનુસારનાં વસ્ત્રો બનાવે છે. તેમણે પોતાની બ્રાન્ડના કામકાજ માટે 90 ગરીબ મહિલાઓને રોજગાર અને તાલીમ આપ્યાં છે. તેમાં કેટલીક વિકલાંગ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. કેયુગે 2022માં બાઉન્ડલેસ નામની, ફેશનેબલ ફંક્શનલ આઇટમો પ્રમોટ કરતી બ્રાન્ડ શરૂ કરી હતી.

સારાહ ચાન, દક્ષિણ સુદાન
NBA સ્કાઉટર
ભૂતપૂર્વ પ્રોફેશનલ બાસ્કેટબૉલ ખેલાડી સારાહ ચાન હવે દક્ષિણ સુદાન તથા કેન્યામાં તરુણોનું ઘડતર કરે છે અને તેમને સ્પૉર્ટની તાલીમ આપે છે. તેઓ એનબીએની ટોરોન્ટો રેપ્ટર્સ બાસ્કેટબૉલ ટીમ માટેની આફ્રિકાની પસંદગી સમિતિનાં પહેલા મહિલા મૅનેજર પણ છે.
ખાર્તુમ, સુદાનના યુદ્ધમાંથી ભાગી છૂટ્યા પથી સારાહ અને તેમનો પરિવાર કેન્યા આવ્યાં હતાં, જ્યાં તેમણે બાસ્કેટબૉલ ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી હતી. તેમણે યુનિયન યુનિવર્સિટી ઑફ જેક્સન, ટેનેસીમાં બાસ્કેટબૉલ સ્કૉલરશિપ મેળવી હતી અને આફ્રિકા તથા યુરોપમાં પ્રોફેશનલ તરીકે રમ્યા હતાં. ચાને હોમ એટ હોમ, એપેડાયેટ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આ સંગઠન બાળલગ્ન અટકાવવાનું કામ કરે છે તથા શિક્ષણની હિમાયત કરે છે, તેમજ યુવા લોકોને શિક્ષિત કરવા માટે સ્પૉર્ટ્સનો ઉપયોગ કરે છે.
આપ એ જ હો છો જેવું તમે તમારા વિશે વિચારો છો, તેથી એક એવા ભવિષ્યમાં વિશ્વાસ કરો જેમાં તમે તમારાં બધાં સપનાં અને તમારી બધી ઇચ્છાઓ હોય.
સારાહ ચાન

પ્રિયંકા ચોપરા, ભારત
અભિનેત્રી
60થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકેલાં પ્રિયંકા ચોપરા જોનસ બોલીવૂડના મોટા સ્ટાર્સ પૈકીનાં એક છે. 2002માં ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યા બાદ આ ભૂતપૂર્વ મિસ વર્લ્ડને હોલીવૂડમાં પણ સફળતા મળી હતી. અમેરિકન નેટવર્ક ડ્રામા સીરિઝ (ક્વોન્ટિકો, 2015)માં સૌપ્રથમ દક્ષિણ એશિયન અભિનેત્રી તરીકે મુખ્ય ભૂમિકા ભજવીને તેમણે ઇતિહાસ સર્જ્યો હતો.
તેમણે હોલીવૂડની ઈઝન્ટ ઈંટ રોમાન્ટિક અને મેટ્રિક્સ રીસરેક્શન્શ સહિતની ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમની પોતાની ફિલ્મનિર્માણ કંપની પણ છે, જે ભારતમાં ફિલ્મો બનાવે છે. પ્રિયંકા યુનિસેફનાં ગૂડવીલ એમ્બેસેડર પણ છે અને બાળકોના અધિકાર તથા કન્યાઓના શિક્ષણ માટે ઝુંબેશ ચલાવે છે.
મી ટૂ ચળવળ અને એ પછી સંભળાતો થયેલો મહિલાઓનો સહિયારો અવાજ, એકમેકનું રક્ષણ કરવાની અને એકમેકની પડખે ઊભા રહેવાની વૃત્તિ - એકતામાં ખરેખર ગજબની શક્તિ છે.
પ્રિયંકા ચોપરા

સ્નેહા જવાલે, ભારત
સામાજિક કાર્યકર
ડિસેમ્બર-2000માં માતા-પિતા વધારે દહેજની માગ સંતોષી શક્યાં નહીં ત્યારે સ્નેહા જવાલે પર કેરોસીન છાંટીને તેમના પતિએ આગ ચાંપી દીધી હતી. પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. પતિ દીકરાને લઈને ચાલ્યો ગયો પછી સ્નેહાએ ટેરો કાર્ડ રીડર અને સ્ક્રિપ્ટ રાઈટર તરીકે પોતાનું જીવન નવેસરથી ઘડવાનો નિર્ણય કર્યો હતો.
હવે સામાજિક કાર્યકર તરીકે કાર્યરત સ્નેહાને 2012માં દિલ્હીમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી યુવતી તથા હિંસાનો સામનો કરી ચૂકેલા લોકોના અનુભવ પર આધારિત નિર્ભયા નામના નાટકમાં ભૂમિકા ભજવવાનું કહેવામાં આવ્યું હતું. દુનિયાભરમાં પ્રેક્ષકો સામે નાટક ભજવવાને કારણે તેમને તેમના ભયને પાછળ છોડવામાં મદદ મળી હતી.
જીવતાં સળગાવી દેવાના અને એસિડ હુમલાઓનો ભોગ બનેલા લોકો પ્રત્યેનો સમાજનો અભિગમ છેલ્લાં દસ વર્ષમાં વર્ષમાં બદલાયો છે. હું મારી જાતને મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સથી જરાય ઓછી ગણતી નથી. હું કહું છું કે હું સુંદર છું. હા. હું છું.
સ્નેહા જવાલે

રીમા જુફાલી, સાઉદી અરેબિયા
રેસિંગ ડ્રાઇવર
2018માં સાઉદી અરેબિયાનાં સૌપ્રથમ મહિલા પ્રૉફેશનલ રેસિંગ ડ્રાઇવર બનીને રીમા જુફાલીએ ઇતિહાસ સર્જ્યો હતો. ઇન્ટરનેશનલ જીટી ઓપનમાં ભાગ લેવા અને મોટર રેસિંગમાં સાઉદી અરેબિયાનું સ્થાન બહેતર બનાવવા આ વર્ષે તેમણે તેમની થીબા મોટરસ્પોર્ટ નામની પોતાની ટીમ બનાવી છે. રમતગમતમાં વૈવિધ્ય લાવવા આ ટીમ સંખ્યાબંધ શૈક્ષણિક તકો અને કાર્યક્રમોનું સર્જન કરે છે.
વિશ્વની અન્ય મહિલા રેસિંગ ડ્રાઈવર્સ માટે આદર્શ બની ગયેલાં જુફાલી થીબા મોટરસ્પોર્ટના માધ્યમથી પ્રતિષ્ઠિત લે મૅન્સ 24-અવર રેસમાં ભાગ લેવા ઇચ્છે છે.
સમાજમાં આજે પણ ઘણી રૂઢી યથાવત્ છે. અર્થપૂર્ણ અને ટકાઉ પરિવર્તન માટે પરિવાર તથા સમાજ તરફથી ટેકો મળે તે જરૂરી છે.
રીમા જુફાલી

ઓન્સ જેબુર, ટ્યુનિશિયા
ટેનિસ ખેલાડી
2022ની વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક દેખાવ પછી ટ્યુનિશિયાનાં સ્ટાર ટેનિસ ખેલાડી ઓન્સ જેબુર ઓપન એરામાં ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પહોંચેલાં સૌપ્રથમ આરબ કે આફ્રિકન મહિલા બન્યાં હતાં. માત્ર થોડાક મહિના પછી તેઓ યુએસ ઓપનના ફાઇનલમાં પહોંચ્યાં હતાં.
હાલ 28 વર્ષના ઓન્સ જેબુરે તેઓ ત્રણ વર્ષનાં હતાં ત્યારથી ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. તેઓ વિમૅન્સ ટેનિસ ઍસોસિએશનના રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચ્યાં હતાં, આ સર્વોચ્ચ પદ પર ત્યાં સુધી કોઈ આફ્રિકન કે આરબ ખેલાડી પહોંચ્યા ન હતા. જેબુર કારકિર્દીમાં ત્રણ સિંગલ્સ ખિતાબ જીત્યા છે અને તેમણે નવી પેઢીના અનેક ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે.

એલ્લા પુગાચેવા, રશિયા
સંગીતકાર
કળાકાર અને સંગીતકાર એલ્લા પુગાચેવાની 250 મિલિયનથી વધુ રેકર્ડ વેચાઈ છે. 500થી વધુ ગીતો અને 100 આલ્બમ્સનો ખજાનો ધરાવતાં રશિયન પોપનાં આ મહારાણી સાંસ્કૃતિક આઇકન છે. હવે નિવૃત્ત થઈ ગયાં હોવા છતાં સ્પષ્ટ મેઝ્ઝો-સોપ્રાનો અવાજ માટે તેઓ જાણીતાં છે.
રશિયાએ સંગીત બદલ તેમનું વારંવાર સન્માન કર્યું હોવા છતાં પુગાચેવા સરકાર વિરુદ્ધ અનેક વખત બોલતાં રહ્યાં છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પરના તેમના 36 લાખ ફોલોઅર્સ માટે યુક્રેનના યુદ્ધની નિંદા કરતો એક મૅસેજ તાજેતરમાં પોસ્ટ કર્યો હતો, જેની વખાણથી માંડીને રાજદ્રોહના આરોપ સુધીના પ્રતિક્રિયા મળી હતી.
મહિલાઓ માટે શિક્ષણની સગવડ તથા નાણાકીય સ્વાતંત્ર્ય માટેની લડાઈમાં વિશ્વમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. જોકે, ઘણા દેશોમાં ઘરેલુ હિંસા હજુ પણ એક મોટી સમસ્યા છે.
એલ્લા પુગાચેવા

સેલ્મા બ્લેર, અમેરિકા
અભિનેત્રી
પોપ કલ્ચર ક્લાસિક ગણાતી ક્રુઅલ ઈન્ટેન્શન્શ, લીગલી બ્લોન્ડ અને ધ હેલબોય ફ્રેન્ચાઈઝ જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકા માટે વિખ્યાત સેલ્મા બ્લેર અમેરિકન ફિલ્મ તથા ટેલિવિઝન અભિનેત્રી છે.
તેમને મલ્ટિપલ સ્ક્લેરોસિસ નામનો રોગ થયો હોવાનું 2018માં બહાર આવ્યું હતું અને આ રોગ બાબતે જાગૃતિ લાવવા, પોતાની આરોગ્ય યાત્રા વિશે અને પોતાની સામેના પડકારો અંગે નિખાલસતાથી વાત કરવા બદલ તેમને વખાણવામાં આવે છે. આ વર્ષે તેમણે મીન બેબી નામની તેમની સંસ્મરણકથા બહાર પાડી હતી અને બધા સરળતાથી વાપરી શકે તેવાં સૌંદર્યપ્રસાધનો બનાવવાના લક્ષ્ય સાથે એક સર્વસમાવેશક બ્રાન્ડ સાથે હાથ મિલાવ્યા છે.
હું એક એવી સ્ત્રી છું કે જેનો ભૂતકાળ મુશ્કેલ હતો, જેના વિશે અનેક બાબતો માટે ધારણા બાંધી શકાય અને મારી શક્તિને ખતમ કરી શકાય, પરંતુ અન્ય મહિલાઓના સમર્થનને કારણે હું આજે છું તે બની શકી છું.
સેલ્મા બ્લેર

મિલી, થાઇલૅન્ડ
રેપ આર્ટિસ્ટ
કળાકાર અને ગીતલેખિકા દાનુફા ખાનાથીરાકુલ તેમના ઉપનામ મિલી તરીકે ઓળખાય છે. તેઓ સૌંદર્યના અવાસ્તવિક માપદંડો તથા જાતીય સંમતિ જેવા મુદ્દા ઉઠાવવા માટે વિવાદાસ્પદ ગીતોનો ઉપયોગ કરે છે. તેઓ બહુવિધ ભાષાઓ તથા બોલીઓમાં રેપ ગીતો બનાવે છે, તેમાં થાઇલૅન્ડના ટ્રાન્સજેન્ડર સમુદાયની બીભત્સ ભાષાનો પણ સમાવેશ થાય છે. તેમણે તાજેતરમાં તેમના સૌપ્રથમ આલ્બમ બાબ્બ બમ બમની જાહેરાત કરી હતી.
આ વર્ષે કોચેલ્લા ફેસ્ટિવલમાં થાઇલેન્ડની રૂઢિચુસ્તતા અને સરકારને પડકારીને તેમજ થાઇલૅન્ડની પરંપરાગત મીઠાઈ સ્ટેજ પર ખાઈને તેમણે સનસનાટી સર્જી હતી. કોવિડ-19ના પ્રતિસાદમાં થાઇલૅન્ડ સરકારે કરેલી કામગીરીની ટીકા કરવા બદલ ગયા વર્ષે તેમના પર બદનક્ષીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેના પરિણામે હેશટેગ #SaveMilli ટ્રેન્ડ થયું હતું.

સલીમા રાડિયા મુકાનસાંગા, રવાન્ડા
રેફરી
આંતરરાષ્ટ્રીય ફૂટબૉલક્ષેત્રે એક ઐતિહાસિક નિર્ણયમાં ફિફાએ કતાર ખાતેના 2022ના વર્લ્ડકપ માટે પસંદ કરેલાં ત્રણ મહિલા રેફરીમાં સલીમા રાડિયા મુકાનસાંગાનો પણ સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં 92 વર્ષ પછી સૌપ્રથમવાર મહિલાઓને કોઈ ભૂમિકા ભજવવા મળી છે.
ગત જાન્યુઆરીમાં તેઓ પુરુષોના આફ્રિકા કપ ઑફ નેશન્શની એક મૅચમાં સૌપ્રથમ મહિલા રેફરી બન્યાં હતાં. તેમણે ટોક્યો ઑલિમ્પિક ગેમ્સમાં પણ ફરજ બજાવી હતી. મહિલાઓની આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ સ્પર્ધામાં પણ તેઓ સર્વોચ્ચ સ્થાન શોભાવી ચૂક્યાં છે. સ્પોર્ટક્ષેત્રે આવતાં પહેલાં તેઓ મિડવાઈફ તરીકે તાલીમ પામ્યાં હતાં.

લૌરા મેકએલિસ્ટર, વેલ્સ
પ્રોફેસર અને ભૂતપૂર્વ ફૂટબૉલર
વેલ્સની મહિલા ફૂટબૉલ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન લૌરા મેકએલિસ્ટર સ્પૉર્ટ્સ વહીવટમાં સંખ્યાબંધ સિનિયર ભૂમિકા ભજવી છે. હાલ તેઓ યુએફા વિમૅન્સ ફૂટબૉલ કમિટીનાં નાયબ અધ્યક્ષ છે અને તેમણે ફિફા કાઉન્સિલની એપ્રિલ-2021માં યોજાયેલી ચૂંટણીમાં યુએફાનાં પ્રતિનિધિ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તેઓ ફૂટબૉલ ઍસોસિયેશન ઑફ વેલ્સ ટ્રસ્ટના ડિરેક્ટર્સ પૈકીનાં એક છે.
હાલ કાર્ડિફ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત મેકએલિસ્ટર વેલ્સના રાજકારણનાં નિષ્ણાત છે. વેલ્સે આ વર્ષે તેમની પસંદગી કતારમાં ફૂટબૉલ વિશ્વકપમાં હાજરી આપવા માટે એલજીબીટી સ્પૉર્ટ્સ ઍમ્બૅસૅડર તરીકે કરી હતી. એલજીબીટીક્યુ પ્લસ સમુદાય પ્રત્યે ટેકો પ્રદર્શિત કરવા માટે તેમણે પહેરેલી રેઈનબો વૉલ બકેટ કેપ, તેઓ સ્ટેડિયમમાં પ્રવેશ્યાં ત્યારે માથા પરથી ઉતારી લેવાનું કહેવામાં આવ્યું હતું.

રિતા મોરેનો, પોર્ટો રિકો- અમેરિકા
અભિનેત્રી
બહુ ઓછા કળાકારોને ઈજીઓટીનો (એમી, ગ્રેમી, ઓસ્કર અને ટોની એવોર્ડ વિજેતા લોકો માટેનો વિશેષ શબ્દ) દરજ્જો મળે છે અને રિતા મોરેનો એવા લોકો પૈકીનાં એક છે. પોર્ટો રિકોનાં આ અભિનેત્રી, ગાયિકા અને નૃત્યાંગનાએ 13 વર્ષની વયે બ્રોડવે પર પદાર્પણ કર્યું હતું. તેમની શાનદાર કારકિર્દી સાત દાયકામાં ફેલાયેલી છે.
તેમણે સિંગિંગ ઇન ધ રેઈન અને ધ કિંગ ઍન્ડ આઈમાં કામ કર્યું હતું, પરંતુ ઑરિજિનલ વેસ્ટ સાઈડ સ્ટોરીમાં ભજવેલા અનિતાના પાત્રે તેમને ઓસ્કર ઍવૉર્ડ મેળવનારા પ્રથમ લેટિન અભિનેત્રી બનાવ્યાં હતાં. હાલ આયુષ્યના નેવુંના દાયકામાં જીવન પસાર કરતાં આ અભિનેત્રી માટે સ્ટીવન સ્પીલબર્ગે પોતાની ફિલ્મની વિખ્યાત રીમેકમાં આખું પાત્ર નવેસરથી લખાવ્યું હતું.

એલ્નાઝ રેકાબી, ઈરાન
પર્વતારોહક
ઑક્ટોબરમાં દક્ષિણ કોરિયામાં યોજાયેલી એશિયન ચૅમ્પિયનશિપમાં ઇરાની પર્વતારોહક એલ્નાઝ રેકાબીએ હેડસ્કાર્ફ પહેર્યા વિના ભાગ લીધો હતો. એ સમયે ઘરઆંગણે ઈરાનમાં ફરજિયાત હિજાબના વિરોધમાં આંદોલન ચાલુ હતું. ચૅમ્પિયનશિપમાં તેમણે ચોથું સ્થાન મેળવ્યું હતું, પરંતુ ઈરાનના વિરોધ પ્રદર્શનકર્તાઓમાં તેમને લોકપ્રિયતા મળી હતી. તેઓ ઈરાન પાછા ફર્યાં ત્યારે તહેરાન ઍરપૉર્ટ પર ઘણા લોકોએ તેમને આવકાર્યાં હતાં. સોશિયલ મીડિયામાં પણ તેમનાં વખાણ થયાં હતાં.
બાદમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પરની એક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે હિજાબ "અકસ્માતે" પડી ગયો હતો. તેમણે આ "ગૂંચવાડા અને ચિંતા" બદલ સરકારી ટેલિવિઝન પરના એક ઈન્ટર્વ્યૂમાં ઈરાનના લોકોની માફી માગી હતી. જોકે, સૂત્રોએ બીબીસી પર્શિયનને જણાવ્યું હતું કે તે ઈન્ટર્વ્યૂમાં એલ્નાઝ પાસે બળજબરીપૂર્વક કબૂલાત કરાવવામાં આવી હતી.

યુલિમાર રોજાસ, વેનેઝુએલા
ઍથ્લીટ
ઑલિમ્પિકમાં સુવર્ણ તથા રજતચંદ્રક વિજેતા અને ત્રણવાર વર્લ્ડ ચૅમ્પિયન બનેલાં યુલિમાર રોજાસે માર્ચમાં યોજાયેલી વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં 15.74 મીટરનો ટ્રિપલ જમ્પ કરીને વિમૅન્સ ટ્રિપલ જમ્પક્ષેત્રે વિશ્વવિક્રમ સર્જ્યો હતો. હવે તેઓ વધારે મોટી સિદ્ધિ મેળવવાની, 16 મિટરના ટ્રિપલ જમ્પની તૈયારી કરી રહ્યાં છે.
કારાકસ, વેનેઝુએલામાં જન્મેલાં અને કૅરેબિયન કોસ્ટમાં મોટાં થયેલાં યુલિમારે અન્યોને સફળ થવામાં મદદ કરીને વિનમ્રતાભર્યો પ્રારંભ કર્યો હતો. હાલ બાર્સેલોના એફસી ઍથ્લેટિક્સ ટીમનો હિસ્સો બનેલાં રોજાસે તેમના દેશમાં હીરોનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. પોતે લેસ્બિયન હોવાનો ખુલ્લેઆમ સ્વીકાર કરતા રોજાસ એલજીબીટીક્યુ પ્લસ મુદ્દાઓનાં પ્રખર હિમાયતી છે.
આપણે મહિલાઓએ કોઈથી ડરવું ન જોઇએ. આપણા માટે કશું જ અશક્ય નથી. આપણી ક્ષમતાને કોઈ ઓછી આંકી શકે એ સ્પષ્ટ થઈ ગયું છે, પરંતુ આપણે શું કરી શકીએ છીએ તે આપણે દર્શાવી ચૂક્યાં છીએ.
યુલિમાર રોજાસ

મી કૂયોંગ (મિકી) લી, સાઉથ કોરિયા
પ્રોડ્યૂસર
કલા જગતનાં એક પ્રતિબદ્ધ સમર્થક સ્વરૂપે, મિકી લી કોરિયન સાંસ્કૃતિક લહેરનો નેતૃત્વ કરી રહ્યાં છે. કે-પૉપ વૈશ્વિક સફળતામાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે અને સંગીત સમારોહ કેસીઓએન બનાવનારામાં પણ સામેલ છે. તેઓ પૅરાસાઇટ ફિલ્મનાં કાર્યકારી નિર્માતા પણ છે, જેઓ સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે ઑસ્કર જીતનારી વિદેશી ભાષાની પ્રથમ ફિલ્મ છે.
લી દક્ષિણ કોરિયાના મનોરંજન સમૂહ સીજે ઈએનએમ, જે એક શક્તિશાળી ફિલ્મ અને ટીવી સ્ટુડિયો, કેબલ ઑપરેટર અને મ્યુઝિક પ્રોડક્શન કંપની છે -નાં ઉપાધ્યક્ષ છે.

2021નાં વિજેતા અભિનેત્રી રેબેલ વિલ્સન દ્વારા નામાંકિત
તેઓ સંપૂર્ણપણે ગર્લ પાવર છે, મારા માટે રોલ મૉડલ, તેમણે પોતાની સંસ્કૃતિનો પ્રચાર સમગ્ર વિશ્વના તમામ વર્ગો સામે કર્યો છે.

એસ્રા વર્દા, અલ્જિરિયા, અમેરિકા
નૃત્યાંગના
અલ્જિરિયાનાં માતા-પિતાનાં સંતાન એસ્રા વર્દા સાંસ્કૃતિક યોદ્ધા છે. તેઓ અલ્જિરિયાના પરંપરાગત નૃત્યને દીવાનખાનામાંથી વર્ગખંડમાં લાવ્યાં છે. તેઓ ઉત્તર આફ્રિકન મહિલાઓના વડપણ હેઠળની નૃત્ય પરંપરાને જાળવી રાખવાનાં હિમાયતી છે. ઐતિહાસિક રીતે સામાજિક વિરોધ સાથે સંકળાયેલી રાઈ નામની પાયાની નૃત્યશૈલીની જાળવણી પર ખાસ ધ્યાન આપવું જોઈએ એવું તેઓ ઇચ્છે છે.
તેઓ પરંપરાગત રાઈ નૃત્યશૈલીના જૂજ મહિલા નિષ્ણાતો પૈકીનાં એક ચિકા રાબિયાનાં ગુરુ છે. એસા વર્દા પ્રવાસી કળાકાર અને શિક્ષિકા છે. તેઓ વૉશિંગ્ટન ડીસીથી માંડીને લંડન સુધીના વિશ્વના વિવિધ ભાગોમાં કાર્યક્રમો આપતાં અને વર્કશોપ યોજતાં રહ્યાં છે.

વેલિયા વિડાલ, કોલમ્બિયા
લેખિકા
વાર્તાકાર અને કોલમ્બિયાના અલ ચોકો પ્રદેશની સંસ્કૃતિનાં પ્રવર્તક વેલિયા વિડાલ સહિયારા વાચનનાં પ્રેમી છે. વાચન તથા સાક્ષરતાના પ્રસારનું કામ કરતી મોતેતે નામની સંસ્થાના તેઓ સ્થાપક છે. કૉલમ્બિયાના સૌથી વંચિત પ્રદેશમાં અસમાનતા અને જાતિવાદ સામે લડવા માટે સાહિત્યને એક સાધન ગણતા વેલિયા વિડાલ ચોકો વાચન અને લેખન ઉત્સવનું આયોજન પણ કરે છે.
તેમના તાજેતરના પુસ્તક એગ્વસ દ એસ્ટ્યુરિયોને કૉલમ્બિયાના સાંસ્કૃતિક મંત્રાલય તરફથી આફ્રો-કૉલમ્બિયન લેખકો માટેની પ્રકાશન સહાય મળી હતી. તેઓ બ્રિટિશ મ્યુઝિયમ સાથેની સહિયારી પહેલ એફ્લુએન્ટે પ્રોજેક્ટ માટે સંશોધનનું કામ પણ કરે છે.
મહિલાઓના ઐતિહાસિક દમન અને તેના નિવારણની જરૂરિયાત બાબતે આપણે હવે વધારે વાકેફ છીએ, પરંતુ આફ્રો અને સ્વદેશી લોકો પરના જુલમને જાતિવાદ કેટલો ગંભીર બનાવે છે તે સમજી શકતા નથી.
વેલિયા વિડાલ

ગીતાંજલિ શ્રી, ભારત
લેખિકા
નવલકથાકાર અને લેખિકા ગીતાંજલિ શ્રી તેમના હિન્દી પુસ્તક રેત સમાધિના અંગ્રેજી ભાષાંતર ટોમ્બ ઑફ ધ સેન્ડ માટે આ વર્ષનું ઇન્ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતનારાં પ્રથમ હિન્દી લેખિકા બન્યાં હતાં અને ઇતિહાસ સર્જ્યો હતો. તેમના પુસ્તકનું ફ્રેન્ચ ભાષાંતર પણ એમિલી ગ્યુમેટ પ્રાઇઝ માટે પસંદગી પામ્યું હતું.
ગીતાંજલિ શ્રી હિન્દીમાં વાર્તાઓ અને હિન્દી તથા અંગ્રેજીમાં નોન-ફિક્શન લખે છે. ભાષા અને તેના બંધારણના કલ્પનાશીલ ઉપયોગથી સજ્જ તેમની રચનાઓનો ઘણી ભારતીય તથા વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો છે. તેઓ વિવાદી નાટ્ય જૂથના સ્થાપક સભ્ય છે અને આ ગ્રૂપ માટે નાટકો પણ લખે છે.
મહિલાઓએ પોતાના સ્થાન માટે હંમેશાં સંઘર્ષ કરવો પડ્યો છે. કેટલીક સંસ્કૃતિ તથા વર્ગોમાં અસમાનતા ભલે હોય, પરંતુ આપણા સમયમાં મહિલાઓએ જીવનના દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
ગીતાંજલિ શ્રી

નાના દર્કોકા સેક્યીઆમાહ, ઘાના
લેખિકા
તેમના પુસ્તક સેક્સ લાઇવ્ઝ ઑફ આફ્રિકન વિમેનને પબ્લિશર્સ વીકલીની પ્રખર સમીક્ષામાં "જાતીય મુક્તિની ઝંખનાનો આશ્ચર્યજનક અહેવાલ" તરીકે વર્ણવવામાં આવ્યું હતું. સમગ્ર ઉપખંડ તથા વૈશ્વિક ડાયસ્પોરાના વૈવિધ્યસભર અભિપ્રાયોને પ્રતિબિંબિત કરતા આ પુસ્તકને ધ ઇકૉનૉમિસ્ટ સામયિકે તેને વર્ષનાં શ્રેષ્ઠ પુસ્તકોની યાદીમાં સ્થાન આપ્યું હતું.
લેખિકા અને નારીવાદી કર્મશીલ નાના નાના દર્કોકા સેક્યીઆમાહ એડવેન્ચર્સ ફ્રોમ ધ બેડરૂમ્સ ઑફ આફ્રિકન વિમૅન નામની એક વેબસાઇટ, પોડકાસ્ટ તથા ઉત્સવનાં સહ-સ્થાપક પણ છે. તેઓ આફ્રિકન મહિલાઓના સેક્સ, લૈંગિકતા અને આનંદના અનુભવોના આધારે સામગ્રીનું સર્જન કરે છે.
નારીવાદીઓ તમામ મહિલાઓ માટે પોતાનું આગવું સ્થાન સર્જી શક્યા છે, પરંતુ આપણે પ્રતિક્રિયાનો સામનો કરી રહ્યા છીએ, જે આપણને થયેલા લાભનું પરિણામ છે અને આ પ્રતિક્રિયા ખાસ કરીને જેન્ડર ડાઇવર્સ તથા જેન્ડર નોન-કન્ફર્મિંગ લોકોને અસર કરે છે.
નાના દર્કોકા સેક્યીઆમાહ

સેલી સ્કેલ્સ, ઑસ્ટ્રેલિયા
કળાકાર
વૉઈસ ઑફ પાર્લમેન્ટ નામે ઓળખાતાં અને ઑસ્ટ્રેલિયન સરકાર સાથે કામ કરતા જૂથમાં આર્ટ કન્સલ્ટન્ટ સેલી સ્કેલ્સની 2022માં નિમણૂક કરવામાં આવી હતી. આ ઐતિહાસિક પરામર્શ સફળ થશે તો મૂળ નિવાસીઓને સંસદીય પ્રક્રિયામાં કાયમી પ્રતિનિધિત્વ મળશે.
સાંસ્કૃતિક ક્ષેત્રના આદરણીય અગ્રણી અને કળાકાર સેલી સ્કેલ્સ દક્ષિણ ઑસ્ટ્રેલિયાના અંતરિયાળ વિસ્તાર અનાંગુ પિતજંતજારા યાંકુનીતજંજારા(એપીવાય)ની પશ્ચિમે દૂર આવેલા પિપાલ્યાતજારાના પિતજંતાજારાનાં મહિલા છે. તેઓ એપીવાયનું પદ સંભાળનારાં બીજાં મહિલા છે અને તેઓ મૂળ નિવાસીઓની માલિકીના સાંસ્કૃતિક સાહસ એપીવાય આર્ટ સેન્ટર કલેક્ટિવનાં પ્રવક્તા પણ છે.

તેમનું નામાંકન 2018નાં વિજેતા ભૂતપૂર્વ રાજકારણી જુલિયા ગિલાર્ડે કર્યું છે.
સેલી અદભુત કળા અને માનવ સમજ બન્નેનાં સર્જક છે. અન્યોને સમજાવીને તથા ઉત્સાહિત કરીને તેઓ રંગભેદ તથા જાતિભેદના ઘાતક સંયોજનને સમાપ્ત કરવા માટે જરૂરી પરિવર્તન લાવવામાં ઉદ્દીપકનું કામ કરે છે.

એલેક્ઝેન્ડ્રા સ્કોચીલેન્કો, રશિયા
કળાકાર
સેન્ટ પીટર્સબર્ગનાં કળાકાર એલેક્ઝેન્ડ્રા સ્કોચીલેન્કોને સુપરમાર્કેટના પ્રાઇઝ ટેગના સ્થાને યુક્રેન યુદ્ધ વિશેના સંદેશાઓ મૂકવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં. તેમણે મારિયુપોલ પરના હવાઈ હુમલાના સંભવિત મૃત્યુઆંકની વિગત પણ તેમાં જણાવી હતી. એક અન્ય ગ્રાહકે આ વિશે ફરિયાદ કરતાં એલેક્ઝેન્ડ્રા પર રશિયન સશસ્ત્ર દળો વિશે 'ખોટી માહિતી' ફેલાવવા પર પ્રતિબંધના કાયદા હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.
તેઓ હાલ પ્રી-ડિટેન્શન સેન્ટરમાં સજાની રાહ જોઈ રહ્યાં છે. તેઓ ખુદને પોતાના અંતરાત્માના કેદી માને છે અને તેમને 10 વર્ષ સુધીના કારાવાસની સજા થઈ શકે છે.
સ્કોચીલેન્કોએ માનસિક આરોગ્ય ડીપ્રેશન સહિતના વિષયોને કેન્દ્રમાં રાખીને કૉમિક બુક્સ લખી છે. તેમનાં ગર્લફ્રેન્ડ કેદમાં સ્કોચીલેન્કોના આરોગ્ય બાબતે ચિંતા વ્યક્ત કરી છે.
ઍક્ટિવિઝ્મ અને ઍડ્વોકસી

લીના અબુ અક્લેહ, પેલેસ્ટાઇન
માનવાધિકાર કર્મશીલ
માનવાધિકારના પેલેસ્ટાઇન-આર્મેનિયન હિમાયતી લીના અબુ અક્લેહ પેલેસ્ટિનીયન-અમેરિકન પત્રકાર શિરીન અબુ અક્લેહનાં ભત્રીજી છે. શિરીન અલ-જઝીરાના સંવાદદાતા હતાં અને ઓક્યુપાઇડ વેસ્ટ બૅન્ક વિસ્તારમાં ઇઝરાયલી દળોના હુમલાનું રિપોર્ટિંગ કરી રહ્યાં હતાં ત્યારે તેઓ માર્યાં ગયાં હતાં. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે તેમના એક સૈનિકે શિરીનની "ભૂલથી" હત્યા કરી હોય તેવી "પ્રબળ શક્યતા" છે.
લીના તેમનાં ફોઈની હત્યા માટે ન્યાય મેળવવાની ઝુંબેશનો ચહેરો બની ગયાં છે. તેમણે માનવાધિકાર પર ખાસ ફોક્સ સાથે ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. તેમને 2022 ટાઈમ 100 નેક્સ્ટ ઇમર્જિંગ લીડર્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
મારાં ફોઈ શિરીન અબુ અક્લેહે જ્યાંથી કામ અધૂરું છોડ્યું હતું ત્યાંથી આપણે કામ શરૂ કરવું જોઈએ અને મહિલાઓનો દૃષ્ટિકોણ વ્યાપક બનાવવો જોઈએ, જેથી આપણે એ સુનિશ્ચિત કરી શકીએ કે આપણે જે કથાઓ કહીએ છીએ અને માહિતી મેળવીએ છીએ તે ન્યાયપૂર્ણ, સચોટ અને સંપૂર્ણ છે, જે મહિલાઓ વિના શક્ય નથી.
લીના અબુ અક્લેહ

જેબિના યાસ્મિન ઇસ્લામ, યુનાઇટેડ કિંગ્ડમ
ઝુંબેશકર્તા
લંડનના એક પાર્કમાં સપ્ટેમ્બર 2021માં જેમની હત્યા કરવામાં આવી હતી તે પ્રાથમિક શિક્ષિકા સબિના નેસ્સાનાં બહેન જેબિના યાસ્મિન ઇસ્લામ યુનાઇટેડ કિંગ્ડમમાં મહિલાઓની જાહેર સલામતીનાં પ્રખર હિમાયતી છે. તેમણે કાયદામાં ફેરફાર માટે ઝુંબેશ ચલાવી હતી, જેથી પ્રતિવાદીઓએ કોર્ટમાં સજા વખતે હાજર થવું પડે.
પોતાનાં બહેનની હત્યા પછી ટેકો ન આપવા બદલ બ્રિટિશ સરકારની ટીકા કરતાં ઇસ્લામે જણાવ્યું હતું કે પુરુષો દ્વારા આચરવામાં આવતી હિંસા કેટલું ઓછું મહત્ત્વ આપવામાં આવે છે તે સરકારનો આ અભિગમ દર્શાવે છે. તેમણે વંશીય ભેદભાવની વાત પણ કરી હતી અને જણાવ્યુ હતું કે તેમનો પરિવાર "સામાન્ય શ્વેત બ્રિટિશ પરિવાર હોત તો" તેમની સાથે સારું વર્તન થયું હોત. ઇસ્લામે તેમની બહેનને "અદભુત રોલ મૉડલ" અને "શક્તિશાળી, નીડર તથા તેજસ્વી" ગણાવ્યાં હતાં.
પૃથ્વી પરની કોઈ પણ વ્યક્તિ કરતાં તમારી જાતને વધુ પ્રેમ કરો.
સબિના નેસ્સા
સબિના નેસ્સાના જર્નલમાંનો તેમનાં બહેન જેબિનાએ શેર કરેલો મૅસેજ

સંધ્યા એકનાલીગોડા, શ્રીલંકા
માનવાધિકાર કાર્યકર્તા
માનવાધિકાર કાર્યકર્તા અને ઝુંબેશકર્તા સંધ્યા એકનાલિગોડા એવાં હજારો માતાઓ અને પત્નીઓને મદદ કરી રહ્યાં છે, જેમણે શ્રીલંકાના ગૃહ યુદ્ધ દરમિયાન પ્રિયજનોને ગુમાવ્યા હતા. તેમના પતિ, પ્રગીથ એકનાલીગોડા, એક અગ્રણી ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર અને કાર્ટૂનિસ્ટ હતા. તેઓ જાન્યુઆરી 2010માં ગુમ થયા હતા. તેઓ સરકારના સખત ટીકાકાર હતા અને તામિલ ટાઇગર અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવેલા કથિત અત્યાચારની તેમણે તપાસ કરી હતી.
પતિ ગુમ થયા બાદ, બે બાળકોનાં માતા ન્યાયની માંગ કરી રહ્યાં છે. શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના સમર્થકો, તેમના પતિના અપહરણ માટે જવાબદાર હોવાનો આરોપ તેમણે મૂક્યો હતો. શંકાસ્પદોને ઓળખી કાઢવામાં આવ્યા હતા, પરંતુ એ તમામને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
હું એક એવી સ્ત્રી છું જે દરેક તબક્કે અન્ય લોકો વતી લડે છે, સર્જનાત્મક સંઘર્ષમાં ભાગ લે છે અને સમર્પણ તથા ત્યાગ દ્વારા અપમાન અને નિંદા વચ્ચે પડકારોને પાર કરે છે.
સંધ્યા એકનાલીગોડા

ગોહર એશ્ગી, ઈરાન
નાગરિક કાર્યકર્તા
ગોહર એશ્ગી ઈરાનમાં સહનશક્તિ અને દૃઢતાનું પ્રતીક બની ગયાં છે. તેમના બ્લૉગર પુત્ર સત્તાર બેહેશ્તીનું એક દાયકા પહેલાં કારાગારમાં મૃત્યુ થયું હતું અને એશ્ગી ત્યારથી ઈરાન સરકાર પર દમન તથા હત્યાનો આંક્ષેપ કરીને ન્યાયની માગણી કરી રહ્યાં છે.
તેઓ પોતાનાં સંતાનોની હત્યા માટે ન્યાય માગતા ઈરાનીયન કમ્પ્લેઈનન્ટ મધર્સ ગ્રૂપમાંના એક છે. તેમણે પોતાના પુત્રની હત્યા બદલ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનીને જવાબદાર ઠરાવ્યા હતા અને તેમનું રાજીનામું માગતા 2019ના એક પત્ર પર તેમણે પણ સહી કરી હતી. આ વર્ષે માહસા અમિનીના મૃત્યુ પછીના વિરોધપ્રદર્શન દરમિયાન વિરોધ પ્રદર્શનકર્તાઓ સાથે એકતા દર્શાવવા માટે તેમણે પોતાનો હિજાબ કાઢી નાખ્યો છે.

હૈદી ક્રાઉટર, યુનાઇટેડ કિંગ્ડમ
વિકલાંગતા કર્મશીલ
હૈદી ક્રાઉટરે ડાઉન સિન્ડ્રોમ નામની તકલીફથી પીડાતા લોકો પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવા માટે ઝુંબેશ ચલાવી હતી. આવી તકલીફ ધરાવતા ગર્ભનો જન્મ પહેલાં સુધી ગર્ભપાત કરાવવાની શરતી મંજૂરી આપતા કાયદાના મુદ્દે તેઓ બ્રિટન સરકારને કોર્ટમાં ઢસડી ગયાં હતાં. હાઈકોર્ટે તેમની વિરુદ્ધનો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે કાયદાનો હેતુ અજાત બાળકના અને મહિલાના અધિકાર વચ્ચે સંતુલન સાધવાનો છે, પરંતુ હૈદીએ જણાવ્યું હતું કે તેઓ અને તેમની ટીમ આ મામલે અદાલતી લડાઈ ચાલુ રાખશે અને કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જશે.
તેઓ પૉઝિટિવ અબાઉટ ડાઉન સંસ્થાનાં આશ્રયદાતા છે અને નેશનલ ડાઉન સિન્ડ્રોમ પૉલિસી ગ્રૂપનાં સ્થાપક અધિકારી છે. આઈ એમ જસ્ટ હૈદી નામના તેમના પુસ્તકનું પ્રકાશન ઑગસ્ટમાં જ કરવામાં આવ્યું હતું.
સગર્ભા મહિલાને ડાઉન સિન્ડ્રોમ બાબતે સાચી માહિતી મળે એવું હું ઇચ્છું છું. હું ઇચ્છું છું કે લોકો સમય સાથે તાલ મિલાવે અને સમજે કે આપણે ખરેખર શું છીએ.
હૈદી ક્રાઉટર

ગેરાલ્ડિના ગુએરા ગાર્સેજ, ઇક્વાડોર
નારીવાદી કાર્યકર્તા
17 કરતાં વધુ વર્ષોથી મહિલાઓના અધિકારોના રક્ષક ગેરાલ્ડિના ગુએરા ગાર્સેજ ઇક્વાડોરમાં હિંસાનાં શિકાર મહિલાઓની સુરક્ષા માટે કામ કરે છે. જેન્ડરના કારણે મહિલાઓની હત્યાઓ સાથે જોડાયેલી જાણકારીઓને સાર્વજનિક કરવામાં તેમને વિશેષજ્ઞતા હાંસલ કરી.
કાર્ટોગ્રાફીઝ ઑફ મેમરી ઇનિશિએટિવ દ્વારા તેમણે જેન્ડરના કારણે પીડિત મહિલાઓના જીવનને પ્રદર્શિત કરવાનું શરૂ કર્યું છે જેનાથી ન માત્ર પીડિતાને યાદ રાખવાનું સંભવ થઈ શક્યું બલકે સાંસ્કૃતિક બદલાવની શરૂઆત પણ થઈ છે. ગુએરા ફેમિનિસ્ટ ઍલાયન્સ અને લૅટિન અમેરિકન નેટવર્ક અગેન્સ્ટ જેન્ડર વાયૉલેન્સના મામલાને પણ ટ્રૅક કરે છે અને તેનો નકશો તૈયાર કરે છે. તેઓ એલ્ડિયા ફાઉન્ડેશન અને ઇક્વાડોરનાં મહિલા આશ્રય નેટવર્કનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
જો મહિલાઓની હત્યાને રોકવા માટે કારગત પગલાં ન ઉઠાવાયાં તો કોઈ પ્રગતિ નહીં થાય. નવા કાયદાના પ્રભાવમાં આવ્યા છતાં, અમે હજુ પણ મૃત્યુ પામી રહ્યાં છીએ અને આને બદલવું પડશે.
ગેરાલ્ડિના ગુએરા ગાર્સેજ

માઉદ ગોબા, યુનાઇટેડ કિંગ્ડમ
એલજીબીટીક્યુ પ્લસ કર્મશીલ
એક શરણાર્થી તરીકે, માઉદ ગોબાએ લગભગ બે દાયકા સુધી શરણાર્થીઓના એકીકરણને પ્રોત્સાહન આપતી પાયાની સંસ્થાઓ સાથે કામ કર્યું છે. તેઓ હાલમાં માઇક્રો રેઇનબો સંસ્થાના રાષ્ટ્રીય મૅનૅજર છે. આ સંસ્થા એલજીબીટીક્યુ પ્લસ સમુદાયના આશ્રય શોધતા અને શરણાર્થીઓને સલામત આશરો આપે છે.માઉદ ગોબા તેમના હાઉસિંગ પ્રોજેક્ટનું નેતૃત્વ કરે છે. આ પ્રોજેક્ટ હેઠળ બેઘર લોકોને વર્ષમાં 25,000 બેડ-નાઈટ પૂરી પાડવામાં આવે છે. માઉદ તેમના રોજગાર કાર્યક્રમમાં પણ સામેલ છે.
અફઘાનિસ્તાનમાંથી યુનાઇટેડ કિંગ્ડમ આવેલા એલજીબીટીક્યુ પ્લસ સમુદાયના લોકોના એકીકરણની પ્રક્રિયાનો વહીવટ પણ ગોબાએ તાજેતરમાં કર્યો હતો. તેઓ યુકે બ્લેક પ્રાઇડના સ્થાપક સભ્યો પૈકીનાં એક છે અને હાલ ટ્રસ્ટી બોર્ડનાં અધ્યક્ષ છે.

સંજિદા ઇસ્લામ ચોયા, બાંગ્લાદેશ
વિદ્યાર્થિની
વિશ્વમાં બાંગ્લાદેશમાં બાળલગ્નનું પ્રમાણ સૌથી વધારે છે, પરંતુ સંજિદા ઇસ્લામ ચોયા તેમાં પરિવર્તનના પ્રયાસ કરી રહ્યાં છે. તેમની માતાનાં લગ્ન બહુ નાની વયે કરી નાખવામાં આવ્યાં હતાં, પરંતુ બાળલગ્ન વિશે શાળામાં રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનથી પ્રેરિત થઈને સંજિદાએ આ દિશામાં કામ કરવાનો નિર્ણય કર્યો હતો.
સંજિદા, તેની સખીઓ, શિક્ષકો અને અન્ય સહકાર્યકર્તાઓ ખુદને ઘાસફોરિંગ એટલે કે ખડમાકડી કહે છે અને બાળલગ્નની ઘટનાઓ બાબતે પોલીસને માહિતગાર કરે છે. હવે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સંજિદાએ તેમનું આ કામ છોડ્યું નથી. તેઓ ગ્રૂપના નવા સભ્યોને તૈયાર કરે છે. અત્યાર સુધીમાં તેમણે 50 બાળલગ્ન અટકાવ્યાં છે.

એર્ફત ટિલ્મા, ઇઝરાયલ
સ્વસંસેવિકા
ઇઝરાયલ પોલીસમાંના સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર સ્વયંસેવિકા, કર્મશીલ એર્ફત ટિલ્મા તમામ ઇમર્જન્સી કોલ્સનો પ્રતિસાદ આપે છે અને પોલીસ દળ તથા એલજીબીટીક્યુ પ્લસ સમુદાય વચ્ચેના સંબંધ સુધારવાનું કામ કરે છે. પરિવાર દ્વારા અસ્વીકાર અને પોલીસની સતામણીના અનુભવ પછી ટિલ્મા ભાગીને ઇઝરાયલ આવી ગયાં હતાં. તેમણે 1969માં કાસાબ્લાન્કામાં જેન્ડર રિઅસાઇન્મેન્ટ સર્જરી કરાવી હતી. એ વખતે આવી સર્જરી પર મોટા ભાગના યુરોપમાં પ્રતિબંધ હતો.
તેઓ ફ્લાઇટ એટેન્ડન્ટ બનવા બર્લિન ગયાં હતાં અને પરણી ગયાં હતાં. છૂટાછેડા થયા પછી 2005માં તેઓ ઇઝરાયલ પાછાં ફર્યાં હતાં. તેમને સેક્સ્યુઅલ માઇનોરિટીઝમાં વધુ આવકાર મળ્યો હતો. આ સમુદાયે તેમને પોલીસમાં સ્વયંસેવિકા બનવા પ્રોત્સાહિત કર્યાં હતાં.

એલિસ પતાક્સો, બ્રાઝિલ
સ્વદેશી કર્મશીલ
આબોહવા માટે ઝુંબેશ ચલાવતા, પત્રકાર અને પ્રભાવશાળી વ્યક્તિ એલિસ પતાક્સોનો હેતુ, બ્રાઝિલ સરકારની તાજેતરની પર્યાવરણ તથા કૃષિવિષયક નીતિઓને કારણે દેશના જમીન અધિકારો પર કેવું જોખમ સર્જાયું છે એ વિશે જાગૃતિ લાવવાનો છે. તેઓ પતાક્સો લોકોનો અવાજ છે અને તેઓ સ્વદેશી સમુદાયો વિશેના વસાહતી દૃષ્ટિકોણને પડકારવા ઇચ્છે છે અને પર્યાવરણ કાર્યકરોની હત્યા પર પ્રકાશ પાડવા ઇચ્છે છે.
તેઓ કોલાબોરા માટે પત્રકાર તરીકે કામ કરે છે અને પોતાની યૂટ્યૂબ ચેનલ નુહ (બ્રાઝિલના સ્થાનિક લોકોની લવચીકતા માટે વપરાતો શબ્દ) માટે સામગ્રીનું સર્જન કરે છે.

2021નાં વિજેતા શિક્ષણ કર્મશીલ મલાલા યુસુફઝઈ દ્વારા નામાંકિત
આ વર્ષની બીબીસી 100 વીમૅનની યાદી માટે એલિસ પતાક્સોનું નામાંકન કરતાં હું ગર્વ અનુભવું છું. પર્યાવરણના રક્ષણ, લૈંગિક સમાનતા અને સ્થાનિક અધિકારો માટે લડવા રહેવાની એલિસની અતૂટ પ્રતિબદ્ધતાને લીધે મને એવી આશા બંધાઈ છે કે સાતત્યસભર અને વધારે સમાન વિશ્વ આપણી પહોંચમાં છે.

તમાઝા ઝેર્યાબ પર્યાની, અફઘાનિસ્તાન
કર્મશીલ
શિક્ષણ અને કામ કરવાના અધિકારની હાકલ કરતી રેલીમાં જાન્યુઆરીમાં ભાગ લીધા બાદ તમાઝા ઝેર્યાબ પર્યાની તથા તેમની બહેનોને સશસ્ત્ર પુરુષો તેમના ઘરેથી ઉઠાવી ગયા હતા અને દિવસો સુધી તેમને કેદમાં રાખ્યાં હતાં. આ ઘટનાની આંતરરાષ્ટ્રીય નિંદા અને તેમને મુક્ત કરવાની હાકલ વચ્ચે તાલિબાને આ ઘટનામાં પોતાની સંડોવણીનો ઇન્કાર કર્યો હતો.
તમાઝાએ ધરપકડ સામેના તેમના પ્રતિકારનો વીડિયો ઉતાર્યો હતો અને પોસ્ટ કર્યો હતો. પર્યાનીના વાઇરલ થયેલા વીડિયોએ મહિલા કર્મશીલોનું ધ્યાન ખેંચ્યું હતું. મુક્તિ પહેલાં તેમણે ત્રણ સપ્તાહ કસ્ટડીમાં ગાળ્યાં હતાં. હવે તેઓ જર્મનીમાં રહે છે અને ઈરાનની અન્ય મહિલાઓ સાથે ઐક્ય દર્શાવવા માટે તેમણે પોતાનો હિજાબ સળગાવી દીધો હતો, આ પગલાંને ઘણી અફઘાન મહિલાઓ વિવાદાસ્પદ માને છે.
વિશ્વની મહિલાઓ પ્રગતિ કરી રહી છે ત્યારે અફઘાનિસ્તાનની મહિલાઓ 20 વર્ષ પાછળ ધકેલાઈ ગઈ છે. મહિલાઓએ 20 વર્ષમાં મેળવેલી સિદ્ધિને તેમની પાસેથી આંચકી લેવામાં આવી છે.
તમાઝા ઝેર્યાબ પર્યાની

રોયા પિરાઈ, ઈરાન
કર્મશીલ
સપ્ટેમ્બરમાં રોયા પિરાઈની છબી વાઇરલ થઈ હતી. તેમનાં 62 વર્ષનાં માતા મીનૂ મજિદી ઈરાનના મોટા કુર્દીશભાષી શહેર કેરમાનશાહમાં વિરોધપ્રદર્શન કરતાં હતાં ત્યારે સલામતી દળોના ગોળીબારમાં માર્યા ગયાં હતાં. પિરાઈએ પોતાનું માથું મુંડાવી નાખ્યું હતું અને માથાના કાપેલા વાળ હાથમાં લઈને માતાની કબર પાસે ઊભા હોય અને કૅમેરા ભણી તાકતા હોય તેવો તેમનો ફોટોગ્રાફ પ્રકાશિત થયો હતો.
22 વર્ષની માહસા અમિનીને મૃત્યુને પગલે કુર્દિશ પ્રદેશમાંથી શરૂ થયેલું સરકાર વિરોધી આંદોલન સમગ્ર ઈરાનમાં ફેલાયું છે. એ પછી પિરાઈ હાલના આંદોલન માટે આંતરરાષ્ટ્રીય ટેકો મેળવવા ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમૅન્યુએલ મેક્રોંને મળ્યાં હતાં.

સેસી ફ્લોરેસ, મેક્સિકો
કર્મશીલ
શસ્ત્રધારી લોકો સેસી ફ્લોરેસના 21 વર્ષના પુત્ર અલેજાન્દ્રોને 2015માં ઉઠાવી ગયા હતા. ચાર વર્ષ પછી તેમના 31 વર્ષની વયના બીજા પુત્ર માર્કો એન્ટોનિયોનું એક ગુંડા ટોળકીએ અપહરણ કર્યું હતું. ફ્લોરેસ કહે છે કે મારી ઝુંબેશ, મારાં બાળકોનું, મેક્સિકોમાં બળજબરીથી ઉઠાવી જવાયેલા લોકોનું શું થયું તે જાણ્યા વિના મૃત્યુ પામવાના ડરના આધારે ચાલે છે.
આ વર્ષે એક લાખ લોકો ગુમ થયાનું નોંધાવાની સાથે દેશે ભયંકર સ્થિતિમાં પહોંચી ગયો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે તેને 'પ્રચંડ કરુણાંતિકા' ગણાવી છે. ફ્લોરેસને નેતૃત્વ હેઠળ સોનોરાના સર્ચિંગ મધર્સ સંગઠને ગુમ થયેલા 1,000થી વધુ લોકોની લાશો ગુપ્ત કબરમાંથી શોધવામાં મદદ કરી છે.

વેલ્મારિરી બામ્બરી, ઇન્ડોનેશિયા
કર્મશીલ
ઇન્ડોનેશિયાના અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતાં વેલ્મારિરી બામ્બરી મધ્ય સુલાવેસીમાં જાતીય હિંસાનો ભોગ બનેલા લોકો માટે સંઘર્ષ કરે છે. તેમણે સ્થાનિક પરિષદને પરંપરાગત કાયદાનો અમલ ટાળવા અને જાતીય સતામણીનો ભોગ બનેલા લોકોને દંડ ન ફટકારવા સમજાવી છે.
પરંપરાગત કાયદામાં "ગામની સફાઈ"ની જોગવાઈ છે. તે મુજબ જે વ્યક્તિએ ગામનાં પરંપરાગત મૂલ્યોને પ્રદૂષિત કર્યાં હોય તેમને દંડ ફટકાવવામાં આવે છે. આ નિયમ જાતીય હિંસાનો ભોગ બનેલી વ્યક્તિને પણ લાગુ પડે છે. બામ્બરી આ બાબતે ઝુંબેશ ચલાવતા હોવાને કારણે જાતીય હિંસાની કોઈ ફરિયાદ આવે ત્યારે પોલીસ સૌથી પહેલાં તેમનો સંપર્ક કરે છે. બામ્બરીએ આ વર્ષે આવા અનેક કેસમાં કામ કર્યું છે.
હું શારીરિક રીતે અક્ષમ છું, તેમ છતાં મારી આસપાસની સ્ત્રીઓ માટે આર્થિક સ્વાતંત્ર્યની તકો સર્જીને તેમના સશક્તીકરણમાં હું મારી તમામ શક્તિ સમર્પિત કરવા ઇચ્છું છું.
વેલ્મારિરી બામ્બરી

તરાના બુર્કે, અમેરિકા
કર્મશીલ
મીટૂ હેશટેગ પાંચ વર્ષ પહેલાં વાઇરલ થયું હતું અને દુનિયાના લાખો લોકોએ જાતીય સતામણીના પોતપોતાના અનુભવ સહુને જણાવ્યા હતા, પરંતુ આ ઝુંબેશ જાતીય હુમલામાંથી ઊગરી ગયેલાં કર્મશીલ તરાના બુર્કેએ છેક 2006માં શરૂ કરી હતી. મહિલાઓની સતામણી અને તેમના પરના અત્યાચાર વિશે જાગૃતિ લાવવા તેમણે આ શબ્દ બનાવ્યો હતો.
અભિનેત્રી અલ્યાસા મિલાનોના 2017ના ટ્વીટ સાથે મીટૂનો પડઘો મોટો થવાને પગલે મહિલાઓ સાથે કેવું વર્તન કરવામાં આવે છે એ વિશે જગતમાં ચર્ચા શરૂ થઈ હતી અને સતામણીનો ભોગ બનેલાને શક્તિશાળી અવાજ મળ્યો હતો. સતામણીનો ભોગ બનેલા લોકોની હિમાયત પરત્વે બુર્કે પ્રતિબદ્ધ છે અને સાંસ્કૃતિક તથા માળખાકીય પરિવર્તન માટે લડવાનું તેમણે ચાલુ રાખ્યું છે.

હદિઝાતૌ મણિ, નાઇજર
ગુલામી વિરોધી કર્મશીલ
આયુષ્યના બારમા વર્ષે 'પાંચમી પત્ની' તરીકે વેચવામાં આવેલાં હદિઝાતૌ મણિને વહાયા પ્રથા હેઠળ ગુલામ બનાવવામાં આવ્યાં હતાં. આ પ્રથામાં વગદાર પુરુષો તેમની ચાર પત્નીની સેવા માટે પાંચમી સ્ત્રીને બિનસત્તાવાર રીતે પત્ની બનાવતા હોય છે. 2005માં કાયદેસર મુક્તિ બાદ મણિએ ફરી લગ્ન કર્યાં હતાં, પરંતુ ભૂતપૂર્વ પતિએ તેમના પર બીજા લગ્ન કરવાનો આક્ષેપ કર્યો હતો અને કેસ કર્યો હતો. તેમને દોષિત ગણવામાં આવ્યાં હતાં અને છ મહિનાના કારાવાસની સજા કરવામાં આવી હતી.
મણિએ તે ચુકાદાને પડકાર્યો હતો અને નાઇજરની અદાલતે 2019ના ચુકાદાને રદ્દ કર્યો હતો અને વહાયા પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે તેઓ ગુલામી વિરોધી કર્મશીલ છે અને પોતાના મંચનો ઉપયોગ અન્ય મહિલાઓને મુક્તિ હેતુ મદદરૂપ થવા માટે કરે છે.

ઓલેક્સાન્ડ્રા મેટવિચુક, યુક્રેન
માનવાધિકાર વકીલ
ઓલેક્સાન્ડ્રા મેટવિચુકે સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝનું નેતૃત્વ 15 વર્ષથી કરી રહ્યાં છે. યુક્રેન પર ચડાઈ પછીના રશિયાના યુદ્ધ ગુનાઓનું દસ્તાવેજીકરણ કરવા બદલ આ સંગઠનને 2022નો નોબેલ શાંતિ પુરસ્કાર સંયુક્ત રીતે મળ્યો હતો.
સેન્ટર ફૉર સિવિલ લિબર્ટીઝ મુખ્યત્વે માનવાધિકાર પર ધ્યાન કેન્દ્રીત કરીને, યુક્રેનના 1960ના દાયકાના અસંતુષ્ટોના વારસાને આગળ ધપાવી રહ્યું છે. 2014માં યુદ્ધ ગુનાઓનું દસ્તાવેજીકરણ કરવા ક્રિમિયા, લુહાન્સ્ક, અને દોનેત્સક ગયેલું આ પહેલું માનવાધિકાર સંગઠન હતું. હવે આ સંગઠન ચેચન્યા, મોલ્દોવા, જ્યોર્જિયા, સીરિયા, માલી અને યુક્રેનમાં માનવાધિકારના કથિત ઉલ્લંઘન બદલ રશિયા સામે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ મારફત તપાસની માગણી કરી રહ્યું છે.
બહાદુરીની કોઈ જાતિ નથી હોતી.
ઓલેક્સાન્ડ્રા મેટવિચુક

નર્ગેસ મોહમદી, ઇરાન
માનવાધિકાર ઝુંબેશકર્તા
પત્રકાર અને નોબલ શાંતિ પુરસ્કાર માટે નામાંકન પામેલાં નર્ગેસ મોહમદી ઈરાનમાંના ડીફેન્ડર્સ ઑફ હ્યુમન રાઇટ્સ સેન્ટરનાં વાઇસ-પ્રેસિડેન્ટ છે અને મૃત્યુદંડની સજા નાબૂદ કરવા માટે અથાક ઝુંબેશ ચલાવતા રહ્યાં છે. વર્તમાન વિરોધપ્રદર્શન દરમિયાન તેમણે ઇવિન જેલમાંથી એક પત્ર પાઠવીને વિરોધ પ્રદર્શનકર્તાઓને મૃત્યુદંડ આપતી ઈરાન સરકારને રોકવા સંયુક્ત રાષ્ટ્રસંઘને જણાવ્યું હતું.
મોહમદીને પહેલાં 11 વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી, પરંતુ જામીન પર છૂટ્યા બાદ તેમણે ઇવિન જેલમાં કેદીઓ સાથે કરવામાં આવતા વ્યવહારને વખોડતી ટીકા કરી એટલે તેમની સજા વધારીને 16 વર્ષની કરવામાં આવી હતી. તેમણે બનાવેલી વાઇટ ટોર્ચર નામની દસ્તાવેજી ફિલ્મમાં 16 ભૂતપૂર્વ કેદીઓની મુલાકાતના આધારે એકાંત કારાવાસ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. તેમનાં બે સંતાનો, તેમના પતિ તથા રાજકીય કાર્યકર તાઘી રહમાની સાથે પરદેશમાં રહે છે.

લાયલી, ઈરાન
વિરોધ પ્રદર્શનકર્તા
ઈરાનમાંના વર્તમાન વિરોધપ્રદર્શનની પ્રતીકાત્મક છબીઓ પૈકીની એક ઇમેજ એક યુવતીની છે, તે પાછળથી ક્લિક કરવામાં આવી છે. એ યુવતી પોતાની પોનીટેઇલ બાંધી રહી છ અને શેરીઓમાં વિરોધપ્રદર્શન આગળ ધપાવવાની તૈયારી કરી રહી છે. આ ફોટો વિરોધ પ્રદર્શનકર્તાઓની બહાદુરીનું પ્રતીક બની ગયો છે, પરંતુ આ યુવતી 22 હાલના વિરોધપ્રદર્શનમાં મૃત્યુ પામેલી 22 વર્ષની હદિસ નજાફીની હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ તે ઓળખ ખોટી છે.
બીબીસી પર્શિયન સાથે વાત કરતાં એ છબીમાંની મહિલાએ કહ્યું હતું કે "અમે હદિસ નજાફી અને માહસા અમિનીની માફક લોકો માટે લડવાનું ચાલુ રાખીશું. ઈરાન સરકાર અમને મોતના ભય વડે ડરાવી શકશે નહીં. અમને ઈરાનના સ્વાતંત્ર્યની આશા છે."

ઝ્યાવ શ્યોઓશ્યાન, ચીન
નારીવાદી કર્મશીલ
ચીનમાં મીટૂ ચળવળનો ચહેરો બનેલાં ઝ્યાવ શ્યાઓશ્યાનના કેસને ચીનમાંના નારીવાદીઓ અને વૈશ્વિક પ્રેક્ષકો અનુસરે છે. તેમણે સરકારી માલિકી સીસીટીવી બ્રોડકાસ્ટરના વિખ્યાત પ્રેઝન્ટર સામે 2018માં કેસ કર્યો હતો અને 2014માં ઇન્ટર્નશિપ દરમિયાન તેમણે બળજબરીથી બાથ ભીડીને ચુંબનનો પ્રયાસ કર્યાનો આક્ષેપ કર્યો હતો. પ્રેઝન્ટરે આ આક્ષેપને નકારી કાઢ્યો હતો અને ઝ્યાવ પર બદનક્ષીનો કેસ કર્યો હતો.
ઝ્યાવના કેસને અપૂરતા પુરાવાના અભાવે ફગાવી દેવાયો હતો અને આ વર્ષે તેમની અપીલનો પણ અસ્વીકાર કરવામાં આવ્યો હતો, જેને કેટલાક વિદેશી મીડિયાએ ચીનની મીટૂ ચળવળ પરના ફટકા સમાન ગણાવ્યો હતો. ઝ્યાવ શ્યોઓશ્યાન હવે જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓને ટેકો આપે છે અને ચીનમાં જાતિવાદી મુદ્દાઓ હાઈલાઇટ કરે છે.

યુલિયા સચુક, યુક્રેન
વિકલાંગતા કર્મશીલ
યુક્રેનનાં માનવાધિકાર સંરક્ષક યુલિયા સચુક વિકલાંગ મહિલાઓના નેતૃત્વ હેઠળના ફાઇટ ફૉર રાઈટ નામના સંગઠનનાં વડાં છે. તેમણે રશિયા દ્વારા યુક્રેન પરના હુમલા સંદર્ભે તાકીદની સેવા શરૂ કરી છે. યુક્રેનના હજારો વિકલાંગોને બચાવવાની અહર્નિશ કામગીરી તેઓ આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે મળીને કરી રહ્યાં છે.
વિકલાંગ મહિલાઓ તથા છોકરીઓને નિર્ણય લેવાની પ્રક્રિયાનો હિસ્સો બનાવવા માટે સચુક બહુ ઉત્સાહી છે. તેઓ ઓબામા ફાઉન્ડેશનના લીડર યુરોપ કાર્યક્રમમાં ભાગ લે છે. તેમને 2020માં રાષ્ટ્રીય માનવાધિકાર પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને તેઓ વિકલાંગ વ્યક્તિઓના અધિકાર વિશેની સંયુક્ત રાષ્ટ્રસંઘની એક સમિતિ માટે યુક્રેનના ઉમેદવાર પણ છે.

સુવેદા સેલિમોવિક, બોસ્નિયા અને હર્ઝેગોવિના
શાંતિ માટે કાર્યરત કર્મશીલ
બોસ્નિયા અને હર્ઝેગોવિના યુદ્ધને લીધે બરબાદ થઈ ગયાં તેને ત્રીસ વર્ષ થયાં. સુવેદા સેલિમોવિક હવે એક ગામડામાં અન્ય વિસ્થાપિત મહિલાઓ સાથે રહે છે. આ ગામના પુનર્નિમાણમાં તેમણે મદદ કરી હતી. વિધવા અને નાના સંતાનોનાં માતા સેલિમોવિકે શાંતિના પ્રયાસો તથા મહિલા સશક્તીકરણ માટે એનિમા નામના સંગઠનની સ્થાપના કરી છે.
તેમના પતિના અવશેષ 2008માં એક સામૂહિક કબરમાંથી મળી આવ્યા પછી તેઓ વોર ક્રાઇમ કોર્ટમાં સાક્ષી બન્યાં હતાં અને એવું કરવા અન્ય મહિલાઓને પણ પ્રોત્સાહિત કરી હતી. યુદ્ધના આઘાત સામે ઝઝૂમતી મહિલાઓ માટે એનિમા આજે કાર્યશાળાઓનું આયોજન કરે છે અને એ મહિલાઓ જે વસ્તુઓ બનાવે છે તેને વેચાણની વ્યવસ્થા કરી આપે છે.

ગેહાદ હમ્દી, ઇજિપ્ત
દંત ચિકિત્સક અને માનવતાવાદી
દંત ચિકિત્સક અને માનવતાવાદી ગેહાદ હમ્દી, જાતિ આધારિત હિંસા અને જાતીય સતામણીના કરવૈયાઓને ઉઘાડા પાડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી ઇજિપ્તની નારીવાદી પહેલ સ્પીક અપનાં સ્થાપક અને મૅનેજર પણ છે. 2022માં સમગ્ર ઇજિપ્તમાં સ્ત્રીઓ વિરુદ્ધ શ્રેણીબદ્ધ હિંસક ગુના આચરવામાં આવ્યા હોવાથી આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ સંગઠન મહિલાઓને સતામણી બાબતે વાત કરવા પ્રોત્સાહિત કરવા ઉપરાંત તેમને કાયદાકીય તથા ભાવનાત્મક ટેકો આપે છે, તેમજ સત્તાવાળાઓ પર પગલાં લેવાનું દબાણ કરે છે. હમ્દીની આ ઝુંબેશને અનેક પ્રસંગે સ્વીકૃતિ મળી છે. તેમાં 2022માં વર્લ્ડ જસ્ટિસ ફોરમ ખાતે આપવામાં આવેલા ઇક્વલ રાઇટ્સ ઍન્ડ નોન-ડિસ્કિમિનેશન ઍવૉર્ડનો સમાવેશ થાય છે.
બહુ લાંબો પંથ કાપવાનો છે. આપણે અંતની નજીક પહોંચ્યા નથી. વાસ્તવમાં આપણે શરૂઆત જ કરી છે.
ગેહાદ હમ્દી

જુડિથ હેયુમેન, અમેરિકા
વિકલાંગતા અધિકારના હિમાયતી
જુડિથ હેયુમેને તેમનું જીવન વિકલાંગ લોકોના અધિકાર માટેની લડતને સમર્પિત કર્યું છે. તેમને બાળપણમાં પોલિયો થયો હતો. તેઓ ન્યૂ યોર્ક શહેરમાં શિક્ષક તરીકે કામ કરનારાં સૌપ્રથમ વ્હિલચેર વપરાશકર્તા બન્યાં હતાં.
તેઓ વિકલાંગ અધિકાર ચળવળ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ પામેલા નેતા છે અને અમેરિકન ફેડરલ બિલ્ડિંગમાં સૌથી લાંબા સમય સુધી ચાલેલા આંદોલનમાં હિસ્સેદારી સહિતનાં તેમનાં કામને લીધે મહત્ત્વના કાયદાના અમલીકરણમાં તેઓ ચાવીરૂપ ભૂમિકા ભજવી શક્યાં છે. તેમણે ક્લિન્ટન અને ઓબામા બન્નેના વહીવટીતંત્રમાં કામ કર્યું છે અને સ્વયંસેવા ક્ષેત્રે કામ કરવાનો 20 વર્ષનો અનુભવ ધરાવે છે.

તેમનું નામાંકન 2020ના વિજેતા વિકલાંગતા કર્મશીલ શનિ ધંદાએ કર્યું છે.
મને જુડિથના કામમાંથી વાસ્તવમાં પ્રેરણા મળી છે. તેમણે વિકલાંગ લોકોના માનવાધિકારોને વૈશ્વિક સ્તરે આગળ ધપાવવા 30થી વધુ વર્ષ સુધી કામ કર્યું છે. તેઓ અથાક હિમાયતી છે અને વિકલાંગતા અધિકાર ચળવળના મહત્ત્વના તબક્કાનો હિસ્સો છે.

વુમન કટિંગ હર હેર, ઈરાન
વિરોધ પ્રદર્શનકર્તા
મહિલાએ હિજાબ કે હેડસ્કાર્ફ વડે પોતાના વાળ અનિવાર્ય રીતે ઢાંકેલા રાખવા વિશેના ઈરાનના સખત નિયમનું ઉલ્લંઘન કરવા બદલ મોરાલિટી પોલીસે 22 વર્ષની યુવતી માહસા અમિનીની 13 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. માહસાનું મૃત્યુ થયાના પગલે ઈરાનમાં આ વર્ષે વ્યાપક વિરોધપ્રદર્શન ફાટી નીકળ્યું હતું.
પોતાના અધિકાર અને ફરજિયાત હિજાબ સામે લડતી મહિલાઓએ વિરોધપ્રદર્શનમાં ભજવેલી ભૂમિકા ધ્યાનમાં લેવાનો નિર્ણય અમે આ વર્ષે કર્યો છે.
મહિલાઓ દ્વારા પોતાના માથાના વાળ કાપી નાખવાની બાબત સમગ્ર વિશ્વના સેલેબ્રિટીઝ, રાજકારણીઓ અને ઝુંબેશકર્તાઓ સુધી પ્રસરેલી આ ચળવળનું એક પ્રતીક બની છે. ઈરાનની કેટલીક સમુદાયોમાં આ બાબતને શોકનો પરંપરાગત સંકેત ગણવામાં આવે છે.
સ્વાસ્થ્ય અને વિજ્ઞાન

આય ન્યાઇન થુ, મ્યાનમાર
તબીબ
આય ન્યાઇન થુ મ્યાનમારના કટોકટીગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત અગ્રણી સ્વયંસેવક છે. તેઓ મુખ્યત્વે અંતરિયાળ તથા ગરીબ ચીન સ્ટેટમાં કામ કરે છે. તેમણે નવેમ્બર 2021માં નાનકડા ઓપરેશન થિયેટર સાથેની એક કામચલાઉ હૉસ્પિટલનું નિર્માણ કર્યું હતું અને ત્યારથી તેઓ માંદા તથા ઘાયલ લોકોની સારવાર કરી રહ્યાં છે.
તેઓ ફુરસદના સમયમાં, આંતરિક રીતે વિસ્થાપિત લોકો સહિતના સ્થાનિકોને ટેકો આપવા માટે, તબીબી સારવાર ઉપલબ્ધ ન હોય તેવા પ્રદેશોનો પ્રવાસ કરે છે. આય ન્યાઈન થુના કાર્યને કારણે મ્યાનમારના સૈન્યે તેમના પર 'હિંસા ભડકાવવાનો' આરોપ મૂક્યો છે. મ્યાનમારના સૈન્યનો આરોપ છે કે આય ન્યાઇન થુ પીપલ્સ ડિફન્સ ફોર્સ તરીકે જાણીતા, સરકારવિરોધી નાગરિક સુરક્ષા દળને ટેકો આપે છે.

ઇફેઓમા ઓઝોમા, અમેરિકા
જાહેર નીતિ અને ટેકનૉલૉજી નિષ્ણાત
પોતાના નોન-ડિસ્ક્લોઝર ઍગ્રીમેન્ટનો ભંગ કરીને પોતાના ભૂતપૂર્વ નોકરીદાતા પિન્ટરેસ્ટ પર જાતિગત અને વંશીય ભેદભાવનો આરોપ મૂક્યા બાદ ઇફેઓમાં ઓઝોમા કામના સ્થળે કરવામાં આવતા દુર્વ્યવહાર સામે લડવા માટે અન્ય કર્મચારીઓને મદદ કરવા કૃતનિશ્ચય છે. તેઓ સાયલન્સ્ડ નો મોપ ઍક્ટનાં સહ-પ્રાયોજક બન્યાં છે. આ સંગઠન કૅલિફોર્નિયામાંના દરેક કર્મચારીને કામના સ્થળે થતી સતામણી કે ભેદભાવની માહિતી શૅર કરવાનો મંચ આપે છે. ઓઝોમાના આક્ષેપ પછી પિન્ટેરેસ્ટે કાર્યસ્થળની સમીક્ષા કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ કાયદાને અનુસરશે.
કર્મચારીઓની મદદ માટેના સ્રોતોના સંકલન ધ ટેક વર્કર હેન્ડબુકનું સર્જન પણ ઓઝોમાએ કર્યું છે અને ટેક ઉદ્યોગમાં ઇક્વિટી બાબતે સંગઠનોને સલાહ આપતા અર્થસીડની સ્થાપના પણ કરી છે.

સૅન્ડી કાબરેરા અર્ટેગા, હૉંડૂરાસ
પ્રજનન અધિકારોનાં કાર્યકર્તા
દર્શનશાસ્ત્રનાં વિદ્યાર્થિની, લેખિકા અને નારીવાદી કાર્યકર્તા સૅન્ડી કાબરેરા અર્ટેગા યૌન અને પ્રજનન અધિકારો સાથે જોડાયેલાં કાર્યકર્તા છે. તેઓ મૉર્નિંગ-આફ્ટર પિલ વિશે વર્કશૉપમાં લોકોને જાણકારી આપે છે અને આ મુદ્દે કામ કરનાર સમૂહ હેબલેમોજ લો ક્યૂ ઍજનાં પ્રવક્તા છે. આ સમૂહ આપાતકાલીન ગર્ભનિરોધ વિશે જાગૃતિ વધારવા માટે શૈક્ષિક અભિયાન અને ડિજિટલ પ્લૅટફૉર્મ ચલાવે છે.
તેઓ યુથ ઍક્શન માટે કામ કરે છે જે યુવા લોકોના માનવીય, યૌન અને પ્રજનન અધિકારો પર કામ કરે છે. તેઓ હૉંડૂરન સાંકેતિક ભાષામાં ધારાપ્રવાહ અંદાજમાં સંવાદ કરવામાં સક્ષમ છે. એક બધિર માતાનાં એકમાત્ર પુત્રી તરીકે, તેમને પોતાની સમાવેશક અને દેખરેખ રાખનારા ઉછેર પર ગર્વ છે.

જુડી કિહુમ્બા, કેન્યા
સાંકેતિક ભાષાના દુભાષિયાં
માતૃત્વના માનસિક સ્વાસ્થ્ય અને બધિર માતાઓની સુખાકારીનાં હિમાયતી જુડી કિહુમ્બાને કેન્યાની કેટલીક હૉસ્પિટલોમાં સાંકેતિક ભાષાના દુભાષિયા નથી એવી ખબર પડી ત્યારે તેમણે આરોગ્યવિષયક સઘળી માહિતી તમામ મહિલાઓને ઉપલબ્ધ કરાવવાનં કામ શરૂ કર્યું હતું.
તેઓ ટોકિંગ હેન્ડ્ઝ, લિસનિંગ આઇઝ ઓન પોસ્ટપાર્ટમ ડિપ્રેશન નામના સંગઠનનાં સ્થાપક છે અને સાંભળવાની તકલીફ ધરાવતાં મહિલાઓને માતૃત્વની યાત્રા દરમિયાન મદદ કરે છે. 2019માં પોતે પ્રસૂતિ પછી હતાશાનો ભોગ બન્યાં ત્યાર પછી તેમણે આ સંગઠનની રચના કરી હતી. તેમના સંગઠને આ વર્ષે પહેલીવાર ગ્રૂપ બેબી શાવરનું આયોજન કર્યું હતું, જેમાં 78 બધિર માતાઓ, તબીબો અને કાઉન્સેલરોએ ભાગ લીધો હતો.

અસોનેલે કોતુ, દક્ષિણ આફ્રિકા
ટેકનૉલૉજી ઉદ્યાગસાહસિક
અસોનેલે કોતુ તેમનું પોતાનું ગર્ભનિરોધક ઇમ્પ્લાન્ટ કઢાવવા ઇચ્છતાં હતાં, પરંતુ તેમની મદદ કરી શકે તેવું કોઈ ન મળ્યું ત્યારે તેમને પોતાના બિઝનેસનો વિચાર સ્ફૂર્યો હતો. તેમણે ફેમકનેક્ટ નામના સ્ટાર્ટ-અપની સ્થાપના કરી હતી, જે પીરિયડ પોવર્ટી અને ટીનેજ પ્રેગ્નન્સીની સમસ્યાના ટેકનૉલૉજિકલ નિવારણ પૂરું પાડે છે.
આ પ્લૅટફૉર્મ તમામ યુઝરોને કોઈ ભેદભાવ કે કલંક વિના જાતીય તથા પ્રજનન ટેલિમેડિસન પૂરી પાડે છે. એ ઉપરાંત સ્ત્રીઓ માટે હાઇજિન પ્રોડક્ટ્સ તથા ગર્ભનિરોધકો પણ સરળતાથી પૂરાં પાડે છે. કોતુ પીરિયડ પોવર્ટી દૂર કરવા અને ખાસ કરીને યુવાવર્ગ તથા હાંસિયા પરના લોકોને ગુણવત્તાસભર આરોગ્યસંભાળ પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.
આપણાં માતા-પિતાએ જેવો સંઘર્ષ કરવો પડ્યો હતો તેવો સંઘર્ષ ભાવિ પેઢીએ ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા સમસ્યાઓનું નિવારણ શોધવાનો યુવા વર્ગનો દૃઢનિશ્ચય જોઈને સંતોષ થાય છે.
અસોનેલે કોતુ

ઇર્યાના કોન્ડ્રાટોવા, યુક્રેન
બાળરોગ ચિકિત્સક
જોરદાર બૉમ્બમારો થતો હોવા છતાં ડૉ. ઈર્યાના કૉન્ડ્રાડોવા અને તેમની ટીમે ખારકીએવ રીજનલ પેરિનેટલ સેન્ટર ખાતે સગર્ભા મહિલાઓ તથા નવજાત બાળકો અને માતાઓની સારવાર સતત ચાલુ રાખી હતી. તેમણે હૉસ્પિટલના ભોંયરામાં પ્રસૂતિકક્ષ બનાવ્યો હતો અને ઇન્ટેન્સિવ કેર જરૂરી હોય, હવાઈ હુમલાની ચેતવણી હોવા છતાં જેમને અન્યત્ર લઈ જવાં શક્ય ન હોય એવાં બાળકોને સલામત રાખવા માટે તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.
કેન્દ્રનાં વડાં તરીકે પોતે જે પડકારોનો સામનો કરી રહ્યાં છે તેને હાઇલાઇટ કરવા માટે ડૉ. કોનડ્રાટોવાએ ડેવિડ બૅકહેમના ઇન્સ્ટાગ્રામનો સહારો લીધો હતો. તેમની ટીમે લુહાન્સ્ક અને દોનેત્સ્કમાંની 3,000થી વધુ મહિલાઓને 2014થી તબીબી તથા માનસિક ટેકો આપ્યો છે.
અમારાં ઘર, રસ્તાઓ, પાવર સ્ટેશન્સ, હૉસ્પિટલો અને જિંદગી એમ બધાનો વિનાશ થયો છે, પરંતુ અમારાં સપનાં, અમારી આશા અને અમારી શ્રદ્ધા જીવંત છે, તેમજ પહેલાં કરતાં વધારે મજબૂત છે.
ઇર્યાના કોન્ડ્રાટોવા

મારિયા ક્રિસ્ટિના કોલો, માડાગાસ્કર
ક્લાયમેટ ઉદ્યોગસાહસિક
પર્યાવરણપ્રેમી સામાજિક ઉદ્યોગસાહસિક અને નારીવાદી મારિયા ક્રિસ્ટિના કોલો સીઓપી27માં માડાગાસ્કરના સત્તાવાર પ્રતિનિધિમંડળનો હિસ્સો બન્યાં હતાં. તેમનો દેશ લાંબા સમયથી દુકાળનો સામનો સતત કરી રહ્યો છે ત્યારે મારિયા માનવાધિકાર અને આબોહવા પરિવર્તનનાં જાતિગત પાસાંની હિમાયત કરી રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે માડાગાસ્કરમાંના દુકાળને આબોહવામાં પરિવર્તનને લીધે સર્જાયેલો સૌપ્રથમ દુકાળ ગણાવ્યો છે.
કોલો પીપલ પાવર ઇન્ક્લુઝન નામના બિન સરકારી સંગઠનનાં રિજનલ ડિરેક્ટર છે. આ સંગઠનનું લક્ષ્ય ગ્રીન ઇકૉનૉમી મારફત ગરીબી સામે લડવાનું છે. તેમનું સામાજિક સાહસ ગ્રીનએનકૂલ ક્લાયમેટ જસ્ટિસ માટેનો રાષ્ટ્રીય મંચ છે. તેઓ જાતિગત હિંસાનો ભોગ બન્યાં હતાં અને તેમણે વીમૅન બ્રેક ધ સાયલન્સ નામની ઝુંબેશ પણ શરૂ કરી છે. તેઓ બળાત્કારની સંસ્કૃતિ સામે લડત ચલાવે છે.
અમને આબોહવાની માઠી અસરનો, પિતૃસત્તાનો અને હિંસાનો ભોગ બનેલા ગરીબ લોકો ગણવામાં આવે તે સ્વીકાર્ય નથી. તમામ મુશ્કેલીઓ છતાં આપણે મહિલાઓ મજબૂત રહી શકીએ છીએ તે જોઈને હું ગર્વની લાગણી અનુભવું છું.
મારિયા ક્રિસ્ટિના કોલો

ડાઇલેક ગુર્સોય, જર્મની
હાર્ટ સર્જન
ટર્કિશ નિરાશ્રિત માતા-પિતાના પરિવારમાં જર્મનીમાં જન્મેલાં ડૉ. ડાઇલેક ગુર્સોય અગ્રણી હાર્ટ સર્જન અને કૃત્રિમ હૃદયનાં નિષ્ણાત છે. તેઓ ફોર્બ્સ સામયિકની જર્મન આવૃત્તિના કવર પેજ પર ચમક્યાં હતાં, જેમાં તેમની કૃત્રિમ હ્રદયનું આરોપણ કરતાં યુરોપનાં સૌપ્રથમ મહિલા સર્જન તરીકે પ્રશંસા કરવામાં આવી હતી.
તેઓ એક દાયકા કરતાં પણ વધારે સમયથી કૃત્રિમ હૃદયસંબંધી સંશોધનમાં મોખરે રહ્યાં છે. મહિલાની શરીર રચનાને ધ્યાનમાં રાખીને, અંગદાનના નીચા પ્રમાણને ધ્યાનમાં લઈને હૃદય પ્રત્યારોપણનો વિકલ્પ વિકસાવવાની દિશામાં તેઓ કાર્યરત્ રહ્યાં છે. તેમણે આત્મકથા લખી છે અને હવે તેઓ પોતાનું હાર્ટ ક્લિનિક શરૂ કરવાની તૈયારીમાં છે.

વેગાતા ગેબ્રેયોહાન્નેસ અબેરા, ટિગ્રી, ઇથિયોપિયા
માનવતાવાદી સહાય કાર્યકર
માનવાતાવાદી સહાય કાર્યકર વેગાતા ગેબ્રેયોહાન્નેસ અબેરા યુદ્ધને કારણે સર્જાયેલા કુપોષણને નાબૂદ કરવાના હેતુસર સ્થાપવામાં આવેલા સ્વયંસેવી સંગઠન હદ્રીનાનાં સ્થાપક પણ છે. આ સંગઠન યુદ્ધથી અસરગ્રસ્ત મહિલાઓ તથા બાળકોને મદદ કરવા સંખ્યાબંધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે. તેમાં આંતરિક રીતે વિસ્થાપિત લોકો માટેની છાવણીમાં ઇમર્જન્સી ફીડિંગ કાર્યક્રમ અને શહેરી ગાર્ડનિંગ પ્રકલ્પનો સમાવેશ થાય છે.
સંઘર્ષ સંબંધિત જાતીય હિંસામાંથી બચી ગયેલા લોકો અને યુદ્ધને લીધે સર્જાયેલી ગરીબીને કારણે કોમર્શિયલ સેક્સવર્કર બનેલી મહિલાઓ માટે એક સશક્તીકરણ પ્રકલ્પ પણ ચલાવે છે.

યાના ઝિન્કેવીય, યુક્રેન
રાજકારણી અને પહેલી હરોળનાં તબીબી સ્વયંસેવક
હૉસ્પિટલર્સ યુદ્ધમોરચે જીવન બચાવવાનું કામ કરતું યાના ઝિન્કેવીચના વડપણ હેઠળનું સ્વયંસેવી પૅરામેડિક સંગઠન છે. તે લોકોને યુદ્ધમેદાનમાંથી ઉગારવાનું કામ કરે છે. શાળા છોડ્યા પછી ઝિન્કેવીચ તબીબી સ્વયંસેવક બન્યાં હતાં અને તેમણે યુક્રેનમાંની દુશ્મનાવટના પ્રારંભે 2014માં એક ટુકડી બનાવી હતી.
તેમણે પોતે 200 ઘાયલ સૈનિકોને સલામત રીતે ઉગાર્યા છે. તેમની ટીમ ઘાયલ સૈનિકો તથા નાગરિકોને પ્રાથમિક સારવાર સતત આપતી રહે છે. ઉપરાંત તબીબી તાલીમ આપે છે અને તેમણે 6,000થી વધુ લોકોને ઉગાર્યા છે. 27 વર્ષનાં યાના ઝિન્કેવીચ યુક્રેનની સંસદના સૌથી યુવાન સભ્યો પૈકીનાં એક છે અને મિલિટરી મેડિસિન સબ-કમિટીનાં વડાં છે.

યુલિયા પૈઇવસ્કા, યુક્રેન
પેરામેડિક
યુક્રેનના અલંકૃત પેરામેડિક અને તાઈરાઝ એન્જલ્સ નામના સ્વયંસેવી મેડિકલ યુનિટનાં સ્થાપક યુલિયા પૈઇવસ્કા તાઇરા નામે વધારે જાણીતાં છે. તેમના મેડિકલ યુનિટે ઘાયલ થયેલા હજારો નાગરિકો તથા સૈનિકોની સેવા કરી છે. તાઈરા મે મહિનામાં મારિયુપોલમાંથી નાગરિકોને ઉગારી રહ્યાં હતાં ત્યારે રશિયન લશ્કરે તેમને અટકાયતમાં લીધાં હતાં.
ચારે તરફથી ઘેરાયેલા શહેરમાંના પોતાના કામનું દસ્તાવેજીકરણ કરવા માટે તેઓ બૉડી કૅમેરાનો ઉપયોગ કરે છે અને તેનું ફૂટેજ મીડિયાને આપવામાં આવે છે. રશિયન લશ્કરે ત્રણ મહિના પછી મુક્ત કર્યા બાદ યુલિયાએ, કેદ દરમિયાન પોતાની સાથે જે ઘાતકી અને નિર્દય વ્યવહાર કરવામાં આવ્યો હતો તેના વિશે વાત કરી હતી. તેમણે તેમની અટકાયતને "નર્ક" ગણાવી હતી.

સમ્રાવિટ ફિકરુ, ઇથિયોપિયા
ટેક્નૉલૉજી ઉદ્યોગસાહસિક
તેઓ 17 વર્ષનાં થયાં ત્યાં સુધી તેમણે કમ્પ્યુટરનો ક્યારેય ઉપયોગ કર્યો ન હતો, તેમ છતાં સમ્રાવિટ ફિકરુ પ્રોગ્રામર બન્યાં અને તેમણે હાઈબ્રિડ ડિઝાઇનની સ્થાપના કરી. ઇથિયોપિયાની ટેક્સી ઍપ રાઇડના સંચાલકોમાં હાઈબ્રિડ ડિઝાઇન કંપનીનો પણ સમાવેશ થાય છે.
ઑફિસમાંથી ઘરે પાછા ફરતી વખતે ટેક્સીમાં અનુભવાતી અસલામતીની લાગણી અને વધારે ભાડા માટે ટેક્સીચાલક સાથે થતી ચડભડે તેમને ટેક્સી ઍપ બનાવવાની પ્રેરણા આપી હતી, જેની શરૂઆત તેમણે 2,000 ડૉલરથી ઓછાં નાણાં વડે કરી હતી. તેમની કંપનીમાં મોટા ભાગના કર્મચારી સ્ત્રીઓ જ છે. ઇથિયોપિયાના ટેક્નૉલૉજી ઉદ્યોગમાં બહુ ઓછી મહિલાઓ છે અને ફિકરુ આગામી પેઢીની યુવતીઓને ઉદ્યોગસાહસિકતાની પ્રેરણા આપવા ઇચ્છે છે.
મહિલાઓની માલિકીના બિઝનેસની સંખ્યા વધી રહી છે. હવે અમને વધારે યુવતીઓની જરૂર છે, જેઓ તેમના સર્જનાત્મક વિચારોને સાકાર કરવા માટેનાં નાણાં મેળવી શકે.
સમ્રાવિટ ફિકરુ

સિરિશા બંડલા, ભારત
ઍરોનૉટિકલ ઇજનેર
સિરિશા બંડલા 2021માં ઐતિહાસિક યુનિટી 22 મિશન હેઠળ અવકાશની ધાર સુધી જઈ આવ્યાં હતાં. વર્જિન ગેલેક્ટિકના સંપૂર્ણ સંચાલક ટુકડી સાથેના સૌપ્રથમ ઓર્બિટલ અવકાશયાન ત્યાં સુધી ગયેલાં સિરિશા, અવકાશમા પહોંચેલાં બીજાં ભારતીય સ્ત્રી બન્યાં હતાં.
સિરિશાને અવકાશમાં બહુ નાની વયથી જ રસ પડવા લાગ્યો હતો. તેઓ ઍરોનૉટિકલ ઇજનેરીનો અભ્યાસ કરવા અમેરિકા ગયાં હતાં. હવે તેઓ વર્જિન ગૅલેક્ટિકના ગવર્ન્મેન્ટ અફેર્સ તથા રીસર્ચ ઑપરેશન્શ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ છે. તેમણે તેમની ફરજના ભાગરૂપે વર્જિન ગૅલેક્ટિકમાં વિજ્ઞાન તથા ટેકનૉલૉજીસંબંધી પ્રયોગો કરવા માટે ગ્રાહકો સાથે કામ કરવાનું હોય છે.

તેમનું નામાંકન 2016નાં વિજેતા અભિનેત્રી સની લિયોનીએ કર્યું છે.
પુરુષોના પ્રભુત્વવાળા ઉદ્યોગમાં આંકરી મહેનત તથા સમર્પણને આધારે આગળ આવેલાં સિરિશા માટે અને ખાસ તો સમાન સપનાં ધરાવતી તમામ છોકરીઓ માટે પ્રેરણારૂપ છે.

નીલોફર બયાની, ઈરાન
ઇકૉલૉજિસ્ટ
સંરક્ષણવાદી નીલોફર બયાની એવા ઘણા પર્યાવરણવિદો પૈકી એક હતાં જેમણે લુપ્ત થવાના આરે હોય તેવી પ્રજાતિઓને ટ્રૅક કરવા માટે કૅમેરાનો ઉપયોગ કરવાના કાણે વર્ષ 2018માં ઈરાનમાં કસ્ટડીમાં લેવાયાં હતાં. તેમના પર વ્યૂહરચનાની દૃષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્રો વિશે વર્ગીકૃત જાણકારી એકત્ર કરવાનો આરોપ લાગ્યો અને બયાનીને દસ વર્ષની સજા સંભળાવાઈ હતી.
બયાની એશિયન ચિત્તા અને અન્ય પ્રજાતિઓના સંરક્ષણ માટે કામ કરનારા ફારસી વન્યજીવ વિરાસત ફાઉન્ડેશનનાં કાર્યક્રમ પ્રબંધક હતાં. બીબીસી ફારસી દ્વારા પ્રાપ્ત એક દસ્તાવેજમાં, તેમણે દાવો કર્યો હતો કે ઓછામાં ઓછા 1200 કલાક સુધી ઈરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ્સ કૉર્પ્સના જવાનોએ સૌથી ખતરનાક માનસિક, ભાવનાત્મક અને શારીરિક યાતનાઓ આપી અને શારીરિક ત્રાસની ધમકી પણ આપી હતી. જોકે, ઈરાની અધિકારીઓએ આ આરોપોથી ઇનકાર કર્યો છે.

વિક્ટોરિયા બાપ્ટિસ્ટે, અમેરિકા
પરિચારિકા અને વૅક્સિન એજ્યુકેટર
અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં નર્સ તરીકે કાર્યરત વિક્ટોરિયા બાપ્ટિસ્ટે લોકોને વૅક્સિન બાબતે શિક્ષિત કરે છે. અશ્વેત સમુદાય તબીબી હસ્તક્ષેપ બાબતે સાશંક કેમ છે એ તેઓ સમજે છે. બાપ્ટિસ્ટે પોતે 1951માં સર્વાઇકલ કૅન્સરને કારણે મૃત્યુ પામેલાં હેન્રિટ્ટા લેક્સ નામના મહિલાનાં સીધા વંશજ છે. હેન્રિટ્ટાના કોષ તેમની મંજૂરી વગર કાઢી લેવામાં આવ્યા હતા અને લૅબોરેટરીમાં અંકુરિત કરવામાં આવ્યા હતા.
હેલા સેલ્સ તરીકે જાણીતા એ કોષનો ઉપયોગ ત્યારથી તબીબી સંશોધન માટે કરવામાં આવે છે, પરંતુ એ વિશે તેમના પરિવારને વર્ષો સુધી ખબર ન હતી. હવે હેન્રિટા લેક્સ ફાઉન્ડેશનનો હિસ્સો બની ગયેલાં બાપ્ટિસ્ટે વિશ્વ આરોગ્ય સંગઠનના સર્વાઇકલ કૅન્સરની નાબૂદી માટેના ગૂડવીલ ઍમ્બૅસૅડર પણ છે.

નિગાર માર્ફ, ઇરાક
પરિચારિકા
ઇરાકી ખુર્દિસ્તાનના મુખ્ય બર્ન્સ યુનિટમાં વડાં પરિચારિકા તરીકે કામ કરતાં નિગાર માર્ફના કામમાં ખુદને આગ ચાંપતી સ્ત્રીઓની સારવારનો સમાવેશ થાય છે. એ પ્રદેશની મહિલાઓમાં વિરોધ સ્વરૂપે ખુદને સળગાવી દેવાનું કૃત્ય આજે પણ સામાન્ય બાબત છે.
માર્ફે પીડિયાટ્રિક બર્ન્સ અને ઇન્ટેન્સિવ કેર એમ બન્ને પ્રકારના હૉસ્પિટલ વોર્ડઝમાં આશરે 25 વર્ષ કામ કર્યું છે. તેઓ અકસ્માતે દાઝી ગયેલા દર્દીઓની સારવાર કરે છે. તેઓ જેમની સારવાર કરે છે એ પૈકીની ઘણી સ્ત્રીઓ ખુદને આગ ચાંપતા પહેલાં માનસિક અને શારીરિક સતામણીનો ભોગ બનેલી હોય છે. એ પૈકીની કેટલીક તો 16 વર્ષની જ હોય છે.

મોનિકા મુસોન્ડા, ઝામ્બિયા
બિઝનેસ વુમન
કૉર્પોરેટ વકીલમાંથી ઉદ્યોગસાહસિક બનેલાં મોનિકા મુસોન્ડા ઝામ્બિયાસ્થિત ફૂડ પ્રોસેસિંગ કંપની અને સધર્ન આફ્રિકન રીજનમાં ઇન્સ્ટન્ટ નૂડલ ઉત્પાદક જાવા ફૂડ્ઝનાં સ્થાપક તથા સીઈઓ છે. તેઓ ઝામ્બિયામાં ઘઉંના મોટા પ્રમાણમાં થતા ઉત્પાદનનો લાભ લઇને સૌને પોસાય તેવી ફૂડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવાનો તેમજ લોકોને અનુકૂળ હોય તેવી ખાદ્યસામગ્રીનું ઉત્પાદન કરવાનો અને કન્ઝ્મ્પ્શન પેટર્ન્સમાં પરિવર્તન લાવવા ઇચ્છે છે.
પોષણના હિમાયતી મુસોન્ડા સંખ્યાબંધ મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરી રહ્યાં છે અને બિઝનેસ કરતી મહિલાઓને નડતી સમસ્યાઓ વિશે વાત કરતા રહે છે. તેમને સંખ્યાબંધ પુરસ્કારો મળ્યા છે અને આફ્રિકાની કૃષિ તથા ફૂડ સિસ્ટમને મજબૂત બનાવવાના તેમના કામને સ્વીકૃતિ આપવામાં આવી છે.

જેને રિગ્બી, અમેરિકા
ખગોળ વિજ્ઞાની અને ખગોળશાસ્ત્રી
નાસાનાં ખગોળશાસ્ત્રી ડૉ. જેન રિગ્બી બ્રહ્માંડમાં આકાશગંગાઓ કેવી રીતે વિકસે છે તેનો અભ્યાસ કરે છે. વિશ્વના સૌથી મોટા સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબના લોન્ચિંગ અને તેને તહેનાત કરનાર આંતરરાષ્ટ્રીય ટીમના મુખ્ય વૈજ્ઞાનિકોમાં તેમનો સમાવેશ થાય છે.. જુલાઈમાં, વેબ દ્વારા ઝડપવામાં આવેલાં પ્રથમ સંપૂર્ણ રંગીન તસવીરો, બ્રહ્માંડની અત્યાર સુધીની સૌથી વિસ્તૃત ઇન્ફ્રારેડ દૃશ્યાવલિ પૂરી પાડી છે.
રિગ્બીએ તેમના સમકક્ષો દ્વારા સમીક્ષા કરવામાં આવી હોય તેવા 100થી વધારે વૈજ્ઞાનિક સંશોધનપત્ર પ્રકાશિત કર્યા છે અને સંશોધન માટે બહુવિધ પુરસ્કારો જીત્યાં છે. તેઓ વિજ્ઞાન, ટેકનૉલ઼ૉજી, ઇજનેરી અને ગણિતમાં સમાનતા તથા સર્વસમાવેશીપણાનાં હિમાયતી પણ છે.
જ્યારે હું વિદ્યાર્થીની હતી ત્યારે LGBTQ રોલ મૉડલ વિશે જાણતી નહોતી. હું અનુસરવા યોગ્ય ક્વીયર રોલ મૉડલ વિના ઊછરેલી છેલ્લી પેઢીનો હિસ્સો હોઈશ, એવી મને આશા છે.
જેને રિગ્બી

નાજા લિબેર્થ, ગ્રીનલૅન્ડ
માનસશાસ્ત્રી
ટ્રોમા થેરપિસ્ટ નાજા લિબેર્થ 13 વર્ષનાં હતાં ત્યારે, ડેન્માર્કના ડૉક્ટરો દ્વારા 1960 અને 70ના દાયકામાં ગ્રીનલૅન્ડના લોકો પર હાથ ધરવામાં આવેલા જન્મ નિયંત્રણ અભિયાનના ભાગ રૂપે, તેમની યોનિમાં ગર્ભનિરોધક ડિવાઇસ બળજબરીથી ફિટ કરવામાં આવી હતી. આશરે 4,500 મહિલાઓ તથા છોકરીઓ પર કરવામાં આવેલા એ કૃત્યની તપાસ શરૂ કરવા ડેન્માર્ક અને ગ્રીનલૅન્ડ આ વર્ષે ઔપચારિક રીતે સહમત થયાં છે.
કોઇલ તરીકે ઓળખાતી એ ડિવાઇસને કારણે ગર્ભાધાનની સમસ્યા સર્જાઈ રહી હોવાનું માનતી મહિલાઓ સહિતની તમામ સ્ત્રીઓને મદદ કરવા લિબેર્થ ઝુંબેશ ચલાવી રહ્યાં છે. મહિલાઓ એકમેકના સંપર્કમાં રહી શકે અને એકમેકને મદદ કરી શકે એ માટે તેમણે એક ફેસબુક ગ્રૂપ પણ બનાવ્યું છે.
બચી ગયેલી વધુને વધુ મહિલાઓ અન્ય મહિલાઓ માટે આદર્શ બની રહી છે. તમારા વિશે કોઈ ખોટી ધારણા બાંધશે નહીં એવી ખબર પડી જાય પછી વધારે મુક્ત રીતે બોલવાથી આપણો ભય અદૃશ્ય થઈ જાય છે. આપણો ભય આપણને નિયંત્રિત કરી શકે નહીં.
નાજા લિબેર્થ

એરિકા લિરિયાનો, ડોમિનિકન રિપબ્લિક
કોકો ઉદ્યોગસાહસિક
એરિકા લિરિયાનો કોકો સપ્લાય ચેઇનના પુનર્નિર્માણના લક્ષ્ય સાથે ડોમિનિકન રિપબ્લિકમાં એક પ્રોફિટ-શેરિંગ નિકાસ સ્ટાર્ટ-અપ ચલાવે છે. કોકોનું વિતરણ વધારે સાતત્યસભર અને ન્યાયસંગત બનાવવાના હેતુ સાથે લિરિયાનોએ તેમનાં બહેન જેનેટ સાથે મળીને ઈનારુની સ્થાપના કરી હતી. તેમના આ સ્ટાર્ટ-અપને આ વર્ષે સીડ ફંડિંગ મળ્યું છે.
કોકો ઉદ્યોગ નાના ખેડૂતો માટે ઐતિહાસિક રીતે શોષણપૂર્ણ રહ્યો છે, પરંતુ એરિકાની કંપની નીતિપૂર્ણ સૌર્સિંગ અને ડોમિનિકનના ઉત્પાદકોને ન્યાયસંગત વેતન મળે તે સુનિશ્ચિત કરે છે. ખેડૂત અને ડોમિનિકન રિપબ્લિકના ઉદ્યોગસાહસિક પરિવારની આ બહેનોનો જન્મ ન્યૂયૉર્કમાં થયો હતો. હવે તેઓ સમગ્ર દેશમાં મહિલા સંચાલિત ખેતરો, સહકારી મંડળી અને સપ્લાયર્સ સાથે ભાગીદારી કરે છે.
પોતાનો માર્ગ નક્કી કરવાનો અધિકાર તમામ માનવને હોવો જોઈએ અને તેમાં પોતે ક્યા પ્રકારનું જીવન જીવવા ઇચ્છે છે તે નક્કી કરવાના મહિલાના અધિકારનો પણ સમાવેશ થાય છે.
એરિકા લિરિયાનો

મર્યાના વિઆઝોવસ્કા, યુક્રેન
ગણિતશાસ્ત્રી
યુક્રેનનાં ગણિતશાસ્ત્રી મર્યાના, ગણીતશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ગણાતો પ્રતિષ્ઠિત ફિલ્ડ મેડલ મેળવનારાં દ્વિતીય મહિલા આ વર્ષની શરૂઆતમાં જ બન્યાં હતાં. આ પુરસ્કાર દર ચાર વર્ષે આપવામાં આવે છે. મર્યાના વિઆઝોવસ્કાને આ પુરસ્કાર 400 વર્ષ પુરાણો કોયડો ઉકેલવા બદલ આપવામાં આવ્યો હતો.
લોસાન ખાતેની સ્વીસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનૉલૉજીસ્થિત મર્યાના વિઆઝોવસ્કા પ્રોફેસર અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅથેમૅટિક્સ ખાતે સંખ્યાબંધ થીયરીનાં અધ્યક્ષ છે.

એનુરા સગ્યાન, કિર્ગીસ્તાન
ઇજનેર
કમ્પ્યુટર ઇજનેર, પર્યાવરણ-નારીવાદી અને એક સ્ટાર્ટ-અપનાં સીઈઓ એનુરા સગ્યાન પર્યાવરણસંબંધી સમસ્યાઓનાં ટેકનૉલૉજી આધારિત નિવારણ માટે પોતાના કૌશલ્યનો ઉપયોગ કરે છે. તેમણે તઝાર નામની ઍપ્લિકેશન બનાવી છે, જે ઘરથી માંડીને વ્યક્તિઓ, રેસ્ટોરાં, ફેક્ટરીઓ અને કન્સ્ટ્રક્શન સાઇટ્સ સુધીના કચરાનું સર્જન કરતા તમામને રિસાયકલરો સાથે જોડે છે. આ ઍપનો હેતુ કચરાના ઢગલા થતા અટકાવવાનો અને મધ્ય એશિયાના દેશોમાં અસ્તિત્વ સંબંધી સમસ્યાઓના નિરાકરણનો છે.
તેઓ કિર્ગીસ્તાનના વિવિધ પ્રદેશોમાંની 2,000થી વધુ વિદ્યાર્થિનીઓ માટે કોડિંગ અને સાયન્સ, ટેકનૉલૉજી, ઇજનેરી અને મૅથેમૅટિક્સના વર્કશોપોનું સંચાલન પણ કરે છે.
આજે પર્યાવરણસંબંધી સમસ્યાઓના નિરાકરણમાં મહિલાઓની નેતાગીરી તથા ભાગીદારી વિના સાતત્યસભર પૃથ્વીનું અને સમાન-લૈંગિક ભાવિનું સપનું સાકાર થવું અશક્ય છે.
એનુરા સગ્યાન

મોનિકા સિમ્પસન, અમેરિકા
પ્રજનન ન્યાય કર્મશીલ
દક્ષિણ અમેરિકાનાં રાજ્યોમાં પ્રજનન ન્યાય માટે કામ કરતા વિમૅન ઑફ કલરના સંગઠન સિસ્ટરસોંગનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોનિકા સિમ્પસન મુખ્યત્વે જાતીય અને પ્રજનન સ્વાતંત્ર્ય માટે કામ કરે છે. સમગ્ર દેશમાં ગર્ભપાતને કાયદેસરનો અધિકાર બનાવતા રો વિરુદ્ધ વેડના ચુકાદાને સુપ્રિમ કોર્ટે આ વર્ષે રદ કર્યો પછી આ મુદ્દો અમેરિકામાં ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સિમ્પસન ગાયિકા અને સ્પોકન વર્ડ આર્ટિસ્ટ પણ છે. તેઓ તેમની કળા સાથે કર્મશીલતાનું સંયોજન કરે છે. તેઓ પ્રમાણિત ડૌલા (દાયણ) હોવા ઉપરાંત અશ્વેત માતાઓના સ્વાસ્થ્યની જાળવણીનું કામ કરતા બ્લૅક મામાસ મેટર અલાયન્સનાં સંચાલકમંડળનાં સ્થાપક સભ્ય પણ છે.

કિમિકો હિરાતા, જાપાન
પર્યાવરણ કાર્યકર્તા
કોલસા વડે વીજળીનું ઉત્પાદન કરવાના ઉગ્ર વિરોધી કિમિકો હિરાતાએ તેમનું લગભગ અડધું જીવન, અત્યાર સુધી આબોહવા પરિવર્તનમાં સૌથી વધુ ફાળો આપનાર અશ્મિભૂત ઈધણ પરના અવલંબનમાંથી જાપાનને મુક્ત કરાવવાની લડતમાં વિતાવ્યું છે. તેમના અભિયાનના પરિણામે કોલસા પર આધારિત 17 વીજ ઉત્પાદક એકમો રદ કરવામાં આવ્યા છે. તેઓ ગોલ્ડમૅન ઍન્વાયરમૅન્ટ પ્રાઈઝ જીતનારાં પ્રથમ જાપાની મહિલા છે.
અલ ગોરનું પુસ્તક અર્થ ઇન ધ બેલેન્સ વાંચ્યા પછી 1990ના દાયકામાં પર્યાવરણ કાર્યકર્તા બનવા માટે હિરાતાએ પબ્લિશિંગ હાઉસની નોકરી છોડી દીધી હતી. હવે તેઓ, જાન્યુઆરી 2022માં સ્થપાયેલી સ્વતંત્ર સંસ્થા ક્લાઇમેટ ઈન્ટિગ્રેટનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આ સંગઠન કાર્બન ઘટાડવાનું કામ કરી રહ્યું છે.

સોફિયા હેનોન, આર્જેન્ટિના
પર્યાવરણ સંરક્ષણવાદી
જીવવૈવિધ્યના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ સોફિયા હેનોને દક્ષિણ અમેરિકામાં લુપ્તતાના સંકટને પલટાવવા માટેના પ્રયાસોનું નેતૃત્વ કર્યું હતું, જેમાં આર્જેન્ટિનાના મુખ્ય વેટલૅન્ડ ઇકૉસિસ્ટમ અને વિશ્વના સૌથી મોટા વેટલૅન્ડ પૈકીના એક એસ્ટેરોસ ડેલ ઇબેરાનું પુન:સ્થાપન કર્યું હતું. તેમણે સંરક્ષિત વિસ્તારોના નિર્માણમાં 30 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું છે.
તેમના નેતૃત્વ હેઠળનો રિવાઇલ્ડિંગ આર્જેન્ટિના પ્રોજેક્ટ ચાર મુખ્ય ઇકૉ-રિજનમાં કાર્યરત્ છે. તેમાં પેટાગોનિયન મેદાનનો સમાવેશ થાય છે, જે એક મૉડલ હેઠળ ખાનગી જમીનને સુરક્ષિત રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પરિવર્તિત કરવાનું અને મૂળ પ્રજાતિઓને ઇકૉસિસ્ટમને પુનઃસ્થાપનાનું તેમજ પર્યાવરણને અનુકૂળ ઇકૉસિસ્ટમના નિર્માણનું કામ કરે છે.

100 વિમૅન શું છે?
બીબીસી 100 વિમૅન દર વર્ષે વિશ્વભરની 100 પ્રભાવશાળી અને પ્રેરણાદાયી મહિલાઓનાં નામ જાહેર કરે છે. અમે તેમના જીવન વિશે ડૉક્યુમેન્ટરી, ફીચર્સ અને ઇન્ટરવ્યૂ બનાવીએ છીએ - એવી કથાઓ, જે મહિલાઓને કેન્દ્રમાં રાખે છે.
ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર બીબીસી 100 વિમૅનને ફોલો કરો. #BBC100Womenનો ઉપયોગ કરીને સંવાદમાં જોડાઓ
બીબીસી 100 વિમૅનની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે?
બીબીસી 100 વિમૅનની ટીમ તેમણે એકઠા કરેલાં નામો અને બીબીસીના વર્લ્ડ સર્વિ લેંગ્વેજ ટીમોના નેટવર્ક દ્વારા સૂચવવામાં આવેલાં નામોમાંથી પસંદગી કરે છે. છેલ્લા 12 મહિનામાં તેઓ સમાચારમાં ચમક્યા હોય અથવા મહત્ત્વની સ્ટોરીઝ પર પ્રભાવ પાડ્યો, તેમ જ જેમણે પ્રેરણાદાયક કથા કહેવાની હોય અથવા કોઈ નોંધપાત્ર સિદ્ધિ મેળવી હોય કે સમાજ પર પ્રભાવ પડે એવું કોઈ નોંધપાત્ર કામ કર્યું હોય એવા ઉમેદવારોને અમે શોધતા હોઈએ છીએ. એ પછી, એકત્ર કરવામાં આવેલાં નામોનું કેન્દ્રીય વિચાર મુજબ મૂલ્યાંકન કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે - છેલ્લા એક દાયકામાં વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ.
અમે વિભાજિત અભિપ્રાય ધરાવતા વિષયોનું અન્વેષણ કર્યું હતું, જેમ કે પ્રજનન અધિકાર. તેમાં એક મહિલાની પ્રગતિ બીજી મહિલા માટે પ્રત્યાગમન હોઈ શકે છે. અમે પોતાનું જ પરિવર્તન કર્યું હોય તેવી મહિલાઓને નોમિનેટ કરી છે. આ યાદી માટેનાં નામોની પસંદગી કરતી વખતે પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને નિષ્પક્ષતાનો ખ્યાલ પણ રાખવામાં આવ્યો હતો.
આ યાદીમાંની કેટલીક મહિલાઓને, તેમની તથા તેમના પરિવારોની સલામતી માટે, તેમની પરવાનગી સાથે અને બીબીસીની એડિટોરિયલ નીતિ તથા સેફટી ગાઇડલાઈન્સ અનુસાર અનામ રાખવામાં આવી છે.